New Delhi,તા,22
ગઈકાલે નાટયાત્મક ઘટનાક્રમમાં ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામુ ધરી દેનાર શ્રી જગદીપ ધનખડ આજે સંસદમાં હાજરી આપી ન હતી તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમનું રાજીનામું સ્વીકારી લીધુ છે અને હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
બીજી તરફ શ્રી ધનખડના રાજીનામાના કારણ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે. પોતાના સ્વાસ્થ્યના કારણે પદ છોડવાનું જણાવ્યા વચ્ચે શ્રી ધનખડ નારાજ હોવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. તેઓ સંસદ ભવનમાં તેમના માટે યોજાનારા વિદાય સમારોહમાં પણ હાજર રહેશે નહી તથા વિદાય સંદેશો આપવાનો પણ ઈન્કાર કરી દીધો હોવાના સંકેત છે.
આજે તેમના સ્થાને સભ્યસભામાં ઉપસભાપતિએ કામકાજ સંભાળ્યું હતું તો વિપક્ષોએ પ્રશ્ર્ન ઉઠાવતા જણાવ્યું હતું કે શ્રી ધનખડે રાજીનામું આપ્યું છે કે આપવાની ફરજ પડી છે તે નિશ્ચિત નથી. જો કે શાસક ભાજપે તો આ સમગ્ર પ્રકરણ પર મૌન ધારણ કર્યુ છે અને ઉપરાષ્ટ્રપતિએ સ્વાસ્થ્યના કારણે જ પદ છોડયુ હોવાનુ તથા તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના આપી હતી.
શ્રી ધનખડે રાત્રીના 9.50 કલાકે તેમનો રાજીનામાપત્ર સોશ્યલ મીડીયા હેન્ડલ પર પોસ્ટ કરતા જ રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જો કે તેઓએ એ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પાઠવી દીધો હતો અને તે પુર્વે જ તેઓ પદ છોડી રહ્યા હોવાનો સંકેત મળતા જ સરકાર કક્ષાએ પણ બેઠકોનો દૌર શરુ થયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સહિતના તેમના ઉચ્ચ સાથીદારો સામે બેઠકોનો દૌર શરુ કર્યો હતો.
જો કે ધનખડને તેમના નિર્ણય પર પુન: વિચારણા કરવા કોઈ પ્રયાસો થયા નહી તે દર્શાવે છે કે તેઓને રાજીનામું આપવા દબાણ હતું તે ચર્ચા રાજકીય વર્તુળોમાં વ્યાપક બની છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ તેમના નિર્ણયમાં મકકમ હતા.
તેઓએ સંસદભવનમાં તેમના સંભવત યોજાનારા વિદાય સમારોહમાં પણ તેઓ હાજરી આપશે નહી તે સંદેશ મોકલી આપ્યો છે અને હવે તેમનું રાજીનામું મંજુર થતા નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે વિધિવત જાહેરનામું બહાર પડશે.