Jamnagar તા.4
પંખીની જેમ ઉડવાની ચાહ માનવીના મનમાં હમેશા રહી છે અને યૌવન એટલે અણદીઠેલી ભોમ પર આંખ માંડીને પાંખ વીંઝવાની તાકાત. આવી જ એક ઉડાન લઇ ચુકેલા જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના જ શ્રી નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ટેહરી ખાતે 19 ડિસેમ્બર થી 22મી ડિસેમ્બર સુધી યોજાયેલ ટેહરી ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ એક્રો એન્ડ એસઆઈવી કોમ્પિટિશનમાં ભાગ લઇ જામનગરનું નામ રોશન કર્યુ છે. ભારતમાં પહેલી વખત આ પ્રકારની ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોથી તથા 15થી વધારે દેશોના પેરાગ્લાઈડીંગ પાઈલોટ એમ કુલ 93 પેરાગ્લાઈડીંગ પાઈલોટ એ ભાગ લીધો હતો .
આ કોમ્પિટિશનમાં પેરાગ્લાઈડીંગના અલગ અલગ એક્રોબેટ્સ જેવા કે સેટ રોટેશન, સ્પાઈરલ, સ્ટોલ ટુ બેક્ફ્લાઈ પોઝીસન વગેરે હવામાં કરી બતાવી પ્રતિભાગીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બોડી બેલેન્સ ,પેરાગ્લાઈડરની દિશા, સ્પીડ અને પાઈલોટની કુશળતા જેવા ઘટકોને ધ્યાને લઇ અલગ અલગ એક્રોબેટ્સનું બારીક અવાલોકલ નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની પ્રતિયોગીતા ખુબજ જોખમી હોવાથી તેનું આયોજન ટેહરી ડેમ પર કરવામાં આવ્યું હતું જેથી જો કોઈ પ્રતિભાગી પડે તો પાણી માંથી તેને બચાવી શકાય. ભારતમાં ઘણા ઓછા પેરાગ્લાઈડીંગ પાઈલોટ એક્રોબેટ્સ કરે છે. આથી આ પ્રતિયોગીતા પેરાગ્લાઈડીંગના એક્રોબેટીક્સને વેગવાન કરવાની દિશામાં મહત્વનો ફાળો આપે છે . ઉલ્લેખનીય છે કે તેઓએ પેરાગ્લાઈડીંગની ટ્રેનીંગ અરુણાચલ પ્રદેશના National Institute of Mountaineering and adventure sports (NIMAS) તથા બીર હિમાચલ પ્રદેશની એન્ટીગ્રેવિટી સંસ્થાથી મેળવેલ છે .
નચિકેતા ગુપ્તા આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ગુજરાતના એક માત્ર પેરાગ્લાઈડીંગ પાઈલોટ હતા. જેમણે ત્યાં પોતાની પેરાગ્લાઈડીંગની કુશળતા દર્શાવી સફળતાપૂર્વક બધા એક્રોબેટીક્સના ટાસ્ક પૂર્ણ કર્યા અને ઇવેન્ટમાં કવોલીફાઈ થયા હતા. જે રાજ્યોમાં બહુ ઉંચા પહાડો નથી તેવા રાજ્યોમાંથી ખુબજ ઓછા પ્રતિસ્પર્ધી આ કોમ્પિટિશનમાં ક્વોલીફાઈ થઇ શક્યા છે પણ નચિકેતા ગુપ્તાએ આ સ્પર્ધામાં ખુબજ સારૂ પ્રદર્શન કર્યું છે જે જામનગર માટે ગૌરવની વાત છે.