Jamnagar,તા.03
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને ભેજનું પ્રમાણ 94 ટકા થઈ જતાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, અને રીતસર માર્ગો પરથી પાણીના રેલા ઉતરેલા જોવા મળી રહ્યા હતા. જેથી વહેલી સવારે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે, અને ઠંડીનો પારો 12 થી 14 ડીગ્રીની વચ્ચે રહ્યો હોવાના કારણે ટાઢોડું છવાયેલું રહે છે. ઉપરાંત પ્રતિ કલાકના 30થી 35 કિ.મી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, દરમિયાન ગઈકાલે રાત્રેના સમયે પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા થઈ જતાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી.
આજે વહેલી સવારે જાકળ વર્ષાના કારણે વીજીબીલીટી ઝીરો થઈ ગઈ હતી, અને વહેલી સવારે નીકળનારા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઝાકળવર્ષાના કારણે હાઈવે પર વાહન ચાલકોને દૂર સુધી જોવું પણ દુષ્કર બન્યો હતો, અને લાઈટ ચાલુ રાખીને ઉપરાંત વાઇપર ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 10 થી 15 કિ.મી ની ઝડપે રહી હતી.