Jamnagar,તા.18
જામનગર નજીક મેઘપરમાં ભરાતી ગુજરી બજારમાંથી એક વ્યક્તિનો મોબાઇલ ફોન ચોરાયાની ફરિયાદ થયા બાદ વધુ એક ખેડૂત સહિત બે વ્યક્તિના મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અરશીભાઈ નારણભાઈ કરંગીયા નામના ખેડૂત બુઝુર્ગ મેઘપર ગામે ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા ગયા હતા, જે દરમિયાન કોઈ તસ્કરો તેમનો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત મોટી ખાવડી ટાઉનશિપમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અભિષેકકુમાર બાજપાઈ નામના યુવાને પણ મોટી ખાવડીની ગુજરી બજારમાંથી પોતાનો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ આઈ.ડી. જાડેજા આ મામલે વધુ તપાસ ચલાવે છે.