Jamnagar,તા.08
જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વીડિયો વાયરલ થતાં સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
મંગળવારે મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલૂડિયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.
જેમાં શ્વાનના બચ્ચાના બન્ને આગળના પગ ઢસડાયા હતા, અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી. જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વર્ષાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાનના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી.
આ મહિલા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આવા સંસ્કારી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવેલા આ અધમ કૃત્યને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

