Jamnagar, તા.19
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા લાખાભાઈ મંગાભાઈ સંધીયા નામના 34 વર્ષના ગઢવી યુવાન છેલ્લા કેટલાક સમયથી પોતાની બીમારીથી કંટાળી ગયા હોય, આ પરિસ્થિતિમાં તેમણે પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પાલાભાઈ મંગાભાઈ સંધીયાએ અહીંની પોલીસને કરી છે.
માછીમારો સામે કાર્યવાહી ખંભાળિયા તાલુકાના સલાયા બંદર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરી અને મત્સ્યોદ્યોગ કાયદાનું ઉલ્લંઘન કરતા માછીમારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સલાયામાં રહેતા ફારૂક સુલેમાન બારોયા, ફિરોજ અજીજ ભગાડ, અસલમ જુસબ બારોયા અને ઈરફાન અલીમામદ સંઘાર નામના ચાર માછીમારો દ્વારા તેમની જુદી જુદી ફિશીંગ બોટમાં માછીમારી કરવા જતા આ દરમિયાન હવામાન સંબંધી આગાહીઓ સાંભળવા માટેના ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા રાજ્ય સરકાર દ્વારા વખતોવખતના ઠરાવ તેવા આ પ્રકારના સંદેશા વ્યવહારના કોઈ સાધનો ન રાખતા આ તમામ ચાર આસામીઓ સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.