શહેરના જુદા જુદા વિસ્તારમાં નીલગાય આવી ચઢી હતી અને વન વિભાગે તેનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે છોડી દીધી હતી
Jamnagar ,તા.૧૨
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નીલગાય દેખાવાના કિસ્સાઓ વધી રહ્યા હતા. આ અંગે અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. છેલ્લા ૩ દિવસમાં જામનગરમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૪ નીલગાયનું રેસ્ક્યુ કરી તેને કુદરતના ખોળે જંગલમાં વિહરતા કરવામાં આવ્યા હતા.
જામનગરના આર્મી એરિયામાં નીલગાયને માથાના ભાગે ફેન્સિંગ વાયર ફસાયેલી હાલતમાં દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગ કંટ્રોલ રૂમને જાણ થતાં જ રેસ્ક્યુ માટે ટીમ દોડી ગઈ હતી. જ્યાં નીલગાયના માથામાં ફસાયેલ ફેન્સિંગ તાર કાઢી સાથે જ જરૂરી દવા આપી તેને પીડામુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ જી.જી. હોસ્પિટલ પાસે પણ નીલગાયે દેખા દીધી હતી. આથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા વન વિભાગ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ટીમ તાબડતોબ દોડી ગઈ હતી. નીલગાયનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરેલ છે. આમ છેલ્લા ૩ દિવસમાં વન વિભાગ કંટ્રોલ રૂમ દ્વારા ૪ નીલગાય, ૧ શિયાળ તેમજ ૧૧ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે જામનગરના નવાનાગના વિસ્તાર પાસેના રેલવે ક્રોસિંગ પરના રેલવે કર્મચારી દ્વારા કંટ્રોલ રૂમને ઘાયલ શિયાળ મામલે જાણ કરાઈ હતી. સવારે ટ્રેન અકસ્માતમાં શિયાળ ઈજાગ્રસ્ત થતાં રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. જ્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી રેલવે કર્મચારીના બતાવ્યા મુજબ રેલવે ટ્રેક પરથી ઈજાગ્રસ્ત હાલતમાં શિયાળ જોવા મળતા તેને જામનગર વન વિભાગના ઠેબા ખાતે આવેલા અર્બન વર્લ્ડ લાઈફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ ખાતે મોકલાયું હતું. બાદ શિયાળની સારવાર કરી સારવાર બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.નીલગાય મામલે જુદા જુદા વિસ્તારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. સૌપ્રથમ લાલપુર રોડ પર ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે અને આ ઉપરાંત વન વિભાગની ઓફિસ નજીક તથા રણજીત સાગર રોડ પર અને ગઈકાલે જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલ પટેલ સમાજ પાસે નીલગાય દેખાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.