Jamnagar તા.૧૪
જામનગર શહેરમાં શિયાળો જેમ જેમ જામતો જાય છે, તેમ તેમ તસ્કર ટોળકી વધુ ને વધુ સક્રિય બની રહી છે, અને ગઈકાલે વધુ બે રહેણાંક મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લઈ પોલીસ તંત્રની ટાઢ ઉડાડી છે. જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ ધરમશીભાઈ ડાભી નામના વેપારી, કે જેઓ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારીને પોતાના વતન જામ ગઢકા ગામે ગયા હતા, તે દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લઇ અંદરથી રૂપિયા એક લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૧,૪૨,૪૫૦ ની માલમતા ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં સોસાયટીમાં રહેતા મુકેશભાઈ એભાભાઈ આહીરના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને તેમના મકાનમાંથી અંદાજે રૂપિયા ૪૯,૦૦૦ ની માલમતા સહિત બંને મકાનોમાંથી કુલ ૧,૯૧,૫૨૫ ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમે બનાવના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.