Jamnagar તા.૩૦
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ એકાએક મશીનમાં આવી ગયો હતો, અને તેનો હાથ ધડથી અલગ થયો હતો. જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા, આને શ્રમિક યુવાને બૂમોબૂમ કરી મૂકી હતી. ઉપરોક્ત ઇજાગ્રસ્ત યુવાનને ગઈ મોડી રાત્રે એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના પર તાત્કાલિક સર્જરી કરવાની થતી હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે તુરતજ રાજકોટ ખસેડવામાં આવ્યો છે, જ્યારે તેનો જુદો પડેલો હાથ એક કાચની પેટીમાં રાખીને તેની સાથે જ લઈ જવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સમયે હોસ્પિટલમાં પણ ભારે દોડધામ થઈ હતી.