પેશાબ કરવાના બહાને રસ્તામાં ઉતર્યા બાદ બંને શખ્સોએ માલદેભાઈના મોઢા પર કપડું વીંટી ઢોર માર મારી તેઓને માર્ગ પર ઉતારી દીધા હતા
Jamnagar,તા.૨૦
જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા અને બોલેરો પીકપ વેન ચલાવતા માલદેભાઈ એભાભાઈ આંબલીયા, કે જેઓ ને બે અજાણા શખ્સોનો ભેટો થઈ ગયો હતો, અને ભાડું કરવાના બહાને તેઓ પાસેથી બોલેરો પીકપ વેન આંચકી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
માલદેભાઈ આંબલીયા કે જેઓ પાસે ગત ૧૦ તારીખે બન્ને શખ્સો આવ્યા હતા, અને જુનાગઢથી ઘરવખરીનો ફેરો કરવો છે.
તેમ કહી બોલેરોને જુનાગઢ લઈ ગયા હતા. જ્યાં માલ સામાન લેવો નથી તેમ કહી પરત ફર્યા હતા, અને પેશાબ કરવાના બહાને રસ્તામાં ઉતર્યા બાદ બંને શખ્સોએ માલદેભાઈના મોઢા પર કપડું વીંટી ઢોર માર મારી તેઓને માર્ગ પર ઉતારી દીધા હતા, અને ભય બતાવી જી.જે. ૩૨ ટી. ૬૯૩૭ નંબરની ૧૧ લાખની કિંમતની બોલેરો લઈને ભાગી છુટ્યા હતા.
ત્યાંથી માલદેભાઈએ જામનગર આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ ટીમ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં જકાતનાકા નજીકના સીસીટીવી કેમેરામાં બંને શખ્સો કેદ થયા હતા. જે ફૂટેજ માલદેભાઈને પણ બતાવ્યા હતા, અને તેઓએ ૫૫ વર્ષની વયનો એક પુરુષ તથા ૨૫ વર્ષનો એક યુવાન હોવાનું જણાવ્યું હતું, જે બંનેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

