Jamnagar, તા ૭
જામનગર નજીક ગોરધન પર ગામમાં એક રહેણાંક મકાનમાં ઇંગલિશ દારૂનો માતબર જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડી ૪૫૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને વાહન સહિત રૂપિયા ૧૦.૩૨ લાખના મુદ્દામાલ સાથે મકાનમાલિક અને વાહન ચાલક સહિત બે ને અટકાયતમાં લીધા છે, જ્યારે જામનગરના દારૂના સપ્લાયર નું નામ ખુલ્યું છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતો બાદલ બીજલભાઇ પરમાર નામનો દેવીપુજક શખ્સ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, અને જામનગર થી એક મહેન્દ્ર પીકપ વેન માં દારૂનો જથ્થો મંગાવીને પોતાના મકાનમાં ઉતારી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન વાહનમાંથી ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઉતારી રહેલા બે શખ્સો નજરે પડ્યા હતા. આથી પોલીસે મકાન માલિક બાદલ બીજલભાઇ પરમાર તેમજ વાહન ના ચાલક રવિ સુનિલભાઈ મકવાણા નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી ૪૫૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો, વાહન અને મોબાઈલ સહિત ૧૦,૩૨,૪૩૨ ની માલમતા કબજે કરી છે.
એલસીબી ની ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂ જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા હિરેન ઇન્દ્રજીતભાઈ ચંદન નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરાઈ છે.