Jamnagar,તા.10
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નંદાણા ગામ પાસે પશુ સારવારની એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણેયને ઇજા થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા મયુરભાઈ મનસુખભાઈ ગાલોરીયા ગઈકાલે સવારે પોતાનું બાઈક લઈને તેમાં પોતાના પત્ની દક્ષાબેન અને પુત્ર ફેનીલને બેસાડીને નંદાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પુરપાટ ઝડપે આવેલી પશુની સારવાર માટેની જી.જે.18 જી.બી. 8502 નંબરની એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણેયને નાની મોટી ઈજા થઈ છે, અને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે મયુરભાઈ ગલોરીયાએ પશુ સારવાર માટેની એમ્બ્યુલન્સના ચાલક સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.