Jamnagar,તા.12
જામનગર મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પરના દબાણો હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગર શહેરના મુખ્ય સર્કલ પૈકીના મહાકાળી સર્કલ, ઓશવાળ સર્કલ તેમજ રોજી પેટ્રોલ પંપ સર્કલ વિસ્તારમાં જાહેર માર્ગ પરના અનેક દબાણો હટાવાયા હતા.
સૌપ્રથમ ઓશવાળ હોસ્પિટલ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી ફૂટપાથ સહિતના વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ ગોઠવાયેલા હતા, જે સ્થળેથી મંડપ, પથારા, પાથરણા સહિતના ૨૦ થી વધુ દબાણ દૂર કરીને એક ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરી લેવાયો હતો અને સમગ્ર સર્કલમાં સાફ સુફી કરવામાં આવી હતી. જેને લઈને આ વિસ્તારમાં ભારે દોડધામ થઇ હતી. એસ્ટેટ શાખા ની ટીમે કોઈ પણ પ્રકારની મચક આપ્યા વિના તમામ માલ સામાન જપ્ત કરી લીધો હતો.
ત્યારબાદ મહાકાળી સર્કલમાં પણ માર્ગ પર ખડકાઇ ગયેલા જ્યુસ સેન્ટર, ઠંડા પીણા તથા અન્ય ફ્રુટ ના મંડપ વગેરે હટાવીને સમગ્ર સર્કલને ખાલી કરાવાયું હતું.
ત્યારબાદ રોજી પેટ્રોલ પંપ વાળા રોડ પર એક રૂપિયા ના સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક દબાણ દૂર કરીને સમગ્ર મુખ્ય માર્ગને ખુલ્લો કરાવાયો હતો, અને કુલ ત્રણ ટ્રેક્ટર જેટલો માલ સામાનને જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.