Jamnagarતા.૪
જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ૫ લોકોના સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. જોકે, માતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
પોલીસે શુક્રવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે એક ૩૨ વર્ષીય મહિલા અને તેના ચાર બાળકોના મૃતદેહ કૂવામાં તરતા મળી આવ્યા હતા. આ પછી મામલો પ્રકાશમાં આવ્યો.
ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર. રાઠોડે જણાવ્યું હતું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ મહિલાએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબત જાણીને પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે ભાનુબેન ટોરિયાએ તેમના બાળકો ઋત્વિક (૩), આનંદી (૪), અજુ (૮) અને આયુષ (૧૦) સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
અગાઉ રાજકોટમાં કુટુંબે સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારનાં મૃતદેહ ઓટોરિક્ષામાંથી મળી આવ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પતિપત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે. મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી.
વડોદરામાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં કુટુંબના મોભીએ પોતે જ પત્ની, પિતા અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપીને પોતે પણ શેરડીના રસમાં ઝેર પી લીધુ હતુ. તેમાં પત્ની અને પિતાના મોત થઈ ગયા હતા, તેમણે પોતે પણ ઝેર પી લીધું હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ તરત જ આ અંગે મકરપુરા પોલીસને જાણ કરતા તેણે તપાસ આદરી હતી. તેમાં ખબર પડી હતી કે ચેતન સોનીની પત્ની અને પિતાના પણ આ જ રીતે મોત થયા હતા, પરંતુ તેણે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.
પોલીસને શંકા જતા ચેતનભાઈને રાત્રે પોલીસ સ્ટેશને લઈ આવી હતી અને પૂછપરછ કરી હતી અને બીજા દિવસે તેમના ઘરે લઈ ગઈ હતી. પોલીસને ચેતનભાઈના બોલવા પરતી જ શંકા ગઈ હતી કે તેમણે કુટુંબીજનોને ઝેર પીવડાવી દીધું હોઈ શકે. તેથી પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ચેતનભાઈએ બીજા રૂમમાં જઈ પોતે પણ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. તેના પગલે તેમને પણ ઉલ્ટી થતાં પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.