‘વશ’, ‘શૈતાન’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગુજરાતી એક્ટ્રેસ પોલીસ ઓફિસરનો રોલ કરશે
Mumbai, તા.૨૬
રાની મુખર્જી ફરી એક વાર બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કરવા સજ્જ છે. ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની ત્રીજી ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનો સમાવેશ કરાયો છે. જાનકી બોડીવાલા આ ફિલ્મમાં રાની મુખર્જીની જેમ જ પોલીસ ઓફિસરનો રોલ કરશે. ૨૦૧૯માં ‘મર્દાની ૨’ને પણ બોક્સઓફિસ પર સફળતા મળી હતી. હવે આ ળેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને રાની મુખર્જી પોલીસ ઓફિસરના રોલમાં એક દમદાર એક્ટ્રેસને લેવા માગતા હતા. રાની મુખર્જીની એક્ટિંગ સાથે તાલ મિલાવી શકે તેવી એક્ટ્રેસ તરીકે આખરે જાનકી બોડીવાલાને પસંદ કરવામાં આવી છે. ‘વશ’ અને ‘નાડીદોષ’ જેવી ફિલ્મોથી ગુજરાતી ઓડિયન્સમાં લોકપ્રિય બનેલી જાનકી બોડીવાલાની પહેલી હિન્દી ફિલ્મ ‘શૈતાન’ હતી. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક તરીકે બનેલી આ ફિલ્મમાં જાનકીએ અજય દેવગન સાથે મહત્ત્વનો રોલ કર્યો હતો. જાનકીને બીજી બિગ બજેટ હિન્દી ફિલ્મ ઓફર થઈ છે અને મુંબઈમાં તેનું શૂટિંગ શરૂ થઈચૂક્યું છે. આ ફિલ્મમાં રાની મુખર્જીના સહયોગી પોલીસ ઓફિસરના રોલમાં જાનકી બોડીવાલા જોવા મળશે. ‘મર્દાની’માં અગાઉની બંને ફિલ્મમાં ગુનાખોરી અને સામાજિક સમસ્યા અંગે વાત થઈ હતી. યશરાજ ફિલ્મ્સના પ્રોડક્શનમાં બની રહેલી ત્રીજી ‘મર્દાની’ના વિષય અંગે કોઈ જાહેરાત થઈ નથી. જો કે સ્ક્રિપ્ટ ખૂબ મજબૂત હોવાનો અને ઓડિયન્સની સંવેદનાને હચમચાવી દે તેવી હોવાનો દાવો કરાયો છે. આગામી વર્ષે હોળી પર આ ફિલ્મને રિલીઝ કરવાનું આયોજન છે. જુલાઈ મહિનામાં ‘સૈયારા’ બાદ ઓગસ્ટમાં ‘વોર ૨’ રિલીઝ થવાની છે. ત્યાર બાદ ડિસેમ્બરમાં ‘આલ્ફા’ અને ફેબ્રુઆરીમાં ‘મર્દાની’નું આગમન નક્કી છે. આમ, જુલાઈ મહિનાથી યશરાજ પ્રોડક્શનની ફિલ્મોનું લાઈન અપથયેલું છે. ‘ધૂમ ૪’ અને ‘પઠાણ ૨’ની તૈયારીઓ પણ ચાલી રહી છે.