Rajkot,તા.11
કાનુડાના જન્મ વધામણાના દિવ્ય અવસરની ઉજવણીનો આવતીકાલ તા.12ના મંગળવારથી બોળચોથ- અંગારકી ચોથ સાથે થઈ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ વ્યાપી ગયો છે. રજાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં કૃષ્ણ જન્મોત્સવ મનાવવા અનેરો થનગનાટ છે.
જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ કાલ તા.12ના મંગળવારથી થઈ રહ્યો છે. કાલે બોળચોથ તથા અંગારકી ચોથ ઉજવાશે. બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે નિયમ પ્રમાણે દરેક પંચાંગ અનુસાર કાલે જ બોળચોથ મનાવવાની રહેશે.
તા.13મીના બુધવારે નાગપાંચમની ઉજવણી થશે. લોકો નાગ પાંચમના નાગ દેવતાની પૂજા કરશે. તા.14મીના ગુરૂવારે રાંધણ છઠ્ઠ ઉજવાશે. લોકો રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ બનાવશે જેમાં ફરાળી વાનગીઓ બનાવીને બીજે દિવસે આરોગશે. તા.15મી ઓગષ્ટના શીતળા સાતમનો તહેવાર ઉજવાશે. મહિલાઓ શીતળા માતાના મંદિરે જઈને શ્રીફળ અને કુલેર ધરશે અને પોતાના સંતાનના આરોગ્ય માટે માતા સમક્ષ પ્રાર્થના કરશે. આ દિવસે રાંધણ છઠ્ઠના કરેલી વાનગીઓ આરોગશે. મોટાભાગના લોકો એકટાણા કરશે.
તા.16મીના શનિવારે અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાશે જન્માષ્ટમી પર્વ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ શહેરો અને ગામોમાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાના આયોજનો થયા છે.
તેમાંય રાજકોટની વિહિપ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા નિહાળવા બહારગામના લોકો પણ આવતા રહે છે. મંદિરો, હવેલીઓમાં આ દિવસે કાનુડાના જન્મ વધામણા થાય છે. રાતના 12 વાગે અનેરા ઉલ્લાસ અને ઉમંગ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.
દ્વારકા, ડાકોર, મથુરા, વૃંદાવન સહિતના ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં રાત્રે 12 વાગે કાનુડાના જન્મ વધામણા અનેરા ઉલ્લાસ સાથે કરવામાં આવશે. દ્વારકા, ડાકોરમાં હજારો ભકતો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ઉમટી પડશે. ‘જય કનૈયા લાલ કી’નો જયનાદ ગુંજી ઉઠશે.
જન્માષ્ટમી પર્વને લઈને અનેક લોકો ફરવા નીકળી જશે. આ વખતે તા.15મી ઓગષ્ટના સ્વતંત્ર દિનની રજા હોવાથી ચાર દિવસની રજા એક સાથે આવતી હોવાથી લોકોએ અગાઉથી બુકીંગ કરાવી લીધા છે.
કાલે ગૌમાતા પૂજનનુ મહાત્મય દર્શાવતુ પર્વ : બોળચોથ
એક પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન ને બહુલ નામ ની ગાય બહુ પ્રીય હતી આથી શ્રીકૃષ્ણ ભગવાને બહુલા ગાયને વરદાન આપેલું કે શ્રાવણ વદ ચોથના દિવસે તારું પૂજન થશે આથી આ દિવસે ગાય પુજા નુ મહત્વ વધારે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પુજા કરવાથી દરેક ભગવાનની પુજા થાય છે
.
ગાયની પુજા અને સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે, ભાગ્યોદય થાય છે.
ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાંખવું, ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી, આ દિવસે ગાય અને વાછરડાનું પુજન કરવું.બોળચોથના દિવસે ખાંડવું નહી, દળવું નહી, છરી-ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો.
આ દિવસે વ્રત રહેવું બોળ ચોથ ની કથા વાંચવી અથવા સાંભળવી. પહેલાના જમાનામાં ગાયો વગરનું એક પણ ઘર હતું નહી. જેની પાસે ગાયો વધારે તે વધારે ધનવાન ગણાતા, સવારના સમયે ગૌસેવા થતી, પુરાણોમાં જોઈએ તો ઋષિ મુની પણ ગાયો રાખતા અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગૌ સેવા કરેલી.
ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દર ગુરૂવારે સોમવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ દોષ દુર થાય છે. જો કે આ વિધી કરવામાં શાંત ગાયને ગોતવી. ગાયને ઘાસ નાંખવાથી પિતૃઓને મોક્ષગતી મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. ગાયોની સેવા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે.
(શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાત રત્ન) રાજકોટ)