Tokyo,તા.30
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત સમયે બન્ને દેશો વચ્ચે આર્થિક ટેકનોલોજી સાથે હવે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહેલગામ હુમલા મુદે પણ જાપાને ભારતની પડખે ઉભા રહેવાની જાહેરાત કરી હતી અને સંયુક્ત રાષ્ટ્રસંઘે જેને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યા છે તે પાક સ્થિત બે આતંકી સંગઠન લશ્કરે તોયબા અને જૈશ એ મોહમ્મદ સામે આકરા પગલાની પણ જાહેરાત કરી હતી.
બન્ને દેશોના વડાપ્રધાને ત્રાસવાદી ફંડીંગ અને સીમાપારની પ્રવૃતિ રોકવા પણ સાથે હોવાનું જાહેર કર્યુ છે. ભારત માટે આ મોટી રાજદ્વારી સફળતા છે. જાપાને પહેલગામ હુમલાની સ્પષ્ટ રીતે અને દ્રઢતાપૂર્વક નિંદા કરી હતી તથા ભારતમાં આતંક ફેલાવતા લશ્કરે તોયબા જૈશ એ મોહમ્મદ સહિતના લશ્કરી સંગઠનો તથા તેના સહયોગી સંગઠનો સામે કામ લેવામાં ભારત સાથે હોવાનું જાહેર કર્યુ હતું.
જાપાનના વડાપ્રધાન શિંગરૂ ઈશિબાએ પહેલગામ હુમલાના દોષિતોને ન્યાયતંત્ર સમક્ષ ઉભા રાખવામાં ભારત સાથે હોવાનું જાહેર કર્યુ હતું તથા આતંકવાદીઓ અલકાઈદા, આઈએમઆઈએમ, લશ્કરે તોઈબા, જૈશ એ મોહમ્મદ તથા તેના સમર્થીત સંગઠનો જે રાષ્ટ્રસંઘ દ્વારા આતંકી સંગઠન જાહેર કર્યા છે તેની સામે કાર્યવાહી કરવા તથા તેના આતંકી સ્થળોને નષ્ટ કરવામાં ભારતની સાથે હોવાનું જાહેર કર્યુ છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે મ્યાનમાર મુદે પણ ચર્ચા થઈ હતી.
ભારત અને જાપાને મૂન મિશનને આગળ વધારવા માટે સંયુક્ત રીતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર `ચંદ્રયાન-5′ મોકલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઈશરો અને જાપાન એરોસ્પેસ એકસપ્લોરેશન એજન્સી વચ્ચે કરવામાં આવ્યો હતો જેમાં જેએએકસએના ઉપપ્રમુખ માત્સુરા માયુમી અને જાપાનમાં ભારતનાં રાજદૂત સિબી જયોર્જ હાજર હતા.
ચંદ્રયાન-5 મિશનનો ઉદેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં કાયમી અંધારાવાળા પ્રદેશની આસપાસના વિસ્તારમાં ચંદ્રના પાણી સહિત અસ્થિર પદાર્થો અંગે અભ્યાસ કરવાનો છે. આ મિશન જેએએકસએ દ્વારા તેના એચડી-241 લોન્ચ વાહનથી લોન્ચ કરવામાં આવશે. જેમાં ઈશરો દ્વારા નિર્મિત મૂન લેન્ડરનો ઉપયોગ કરાશે.
જે જાપાન દ્વારા નિર્મિત મુન રોવરને સાથે લઈ જશે. ઈશરો મુન લેન્ડરના વિકાસ ઉપરાંત, ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં હાજર અસ્થિર પદાર્થોના સંશોધન અને વિશ્લેષણ માટે કેટલાક વૈજ્ઞાનિક સાધનો વિકસાવશે.
જાપાનની મુલાકાત દરમિયાન `ધ યોમિયુરી શિમ્બુન’ને આપેલા ઈન્ટરવ્યુમાં, પીએમ મોદીએ કહ્યું `મને ખુશી છે કે ભારત અને જાપાન ચંદ્રયાન શ્રેણી અથવા એલયુપીઈએકસ (લુનર પોલર એકસપ્લોરેશન) મિશનના આગામી સંસ્કરણ માટે હાથ મિલાવી રહ્યા છે.
આ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી રીતે અંધારાવાળા પ્રદેશો વિશેની આપણી સમજને વધુ ગાઢ બનાવશે. મને વિશ્વાસ છે કે ભારત અને જાપાનની વૈજ્ઞાનિક ટીમો અવકાશ મિશનની સીમાઓને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે.