Japan,તા,26
પ્લાસ્ટિક એ વિશ્વભરમાં સમુદ્રને પ્રદૂષિત કરતી સૌથી મોટી સમસ્યા છે. માઇક્રોપ્લાસ્ટિક્સ ફક્ત આપણાં ખોરાકમાં જ જોવા મળતાં નથી. તે ઘણાં બાળકોની ગર્ભનાળમાં પણ મળી આવ્યું છે. તે મરિયાના ખાઈની જેમ સમુદ્રનાં સૌથી ઊંડા ભાગોમાં પણ પહોંચી ગયું છે. પરંતુ હવે જાપાની વૈજ્ઞાનિકોએ એક નવું પ્લાસ્ટિક બનાવ્યું છે જે આ ગંભીર સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ નવું પ્લાસ્ટિક જાપાનનાં આરઆઇકેન સેન્ટર ફોર એમનેટ મેટર સાયન્સ અને યુનિવર્સિટી ઓફ ટોક્સીના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે તેની વિશેષતા એ છે કે તે પરંપરાગત પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક જેટલું જ મજબૂત છે, પરંતુ તેનાથી તદ્દન અલગ રીતે કામ કરે છે.
પ્લાસ્ટિકનું સંપૂર્ણ નષ્ટ થવા માટે સામાન્ય રીતે 20 થી 500 વર્ષ લાગે છે પણ આ નવું પ્લાસ્ટિક મીઠાનાં સંપર્કમાં આવતાં જ પોતાનાં મૂળ તત્વોમાં તૂટી જાય છે.
આ પ્લાસ્ટિક મીઠાનાં પાણીમાં કેવી રીતે ઓગળે છે ?
જ્યારે આ પ્લાસ્ટિક સમુદ્રનાં ખારા પાણીમાં જાય છે, ત્યારે તે માત્ર એક કલાકમાં ઓગળી જાય છે અને તેનાં મૂળ રાસાયણિક ઘટકોમાં તૂટી જાય છે. આ ઘટકો સંપૂર્ણપણે સમુદ્રમાં હાજર બેક્ટેરિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રક્રિયામાં માઈક્રો પ્લાસ્ટિક કે નેનો પ્લાસ્ટિક જેવી કોઈ હાનિકારક વસ્તુ બચતી નથી.
એક રિપોર્ટ અનુસાર, ટોક્યો નજીક આવેલાં વાકો સિટીની એક લેબમાં વૈજ્ઞાનિકોએ તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું, જેમાં આ પ્લાસ્ટિક માત્ર એક કલાકમાં જ મીઠાનાં પાણીમાં ગાયબ થઇ ગયું હતું.
જો તમે વિચારી રહ્યાં છો કે જમીનમાં તેનું શું થશે તો જમીનમાં મીઠું પણ હાજર છે, પરંતુ આ પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે તૂટી જવા માટે લગભગ 200 કલાકનો સમય લાગે છે એટલે કે જો આ પ્લાસ્ટિક આકસ્મિક રીતે જમીન પર પહોંચી જાય તો થોડાં જ દિવસોમાં તે સંપૂર્ણપણે નાશ પામશે.
આ પ્લાસ્ટિક મનુષ્યો માટે બિન-ઝેરી છે
બીજા એક સારા સમાચાર એ છે કે આ નવું પ્લાસ્ટિક માણસો માટે બિન-ઝેરી છે. વળી, આગ લાગે ત્યારે તે ઝેરી વાયુઓ છોડતું નથી અને તે કાર્બન ડાયોક્સાઇડ છોડતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્લાસ્ટિક હજુ મોટા પાયે વ્યાપારીઓ માટે તૈયાર નથી.
પરંતુ તેઓ તેનાં માટે કોટિંગ ટેકનોલોજી પર કામ કરી રહ્યાં છે. જેથી તેને તે લાયક બનાવી શકાય. મુખ્ય વૈજ્ઞાનિક તકુનો ઐડાએ જણાવ્યું હતું કે પેકેજિંગ ઉદ્યોગના ઘણા મોટા ધંધાર્થીઓએ આ સંશોધનમાં રસ દાખવ્યો છે.
પ્લાસ્ટિક દુનિયા માટે મોટો ખતરો
યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુપીએ) અનુસાર, જો પ્લાસ્ટિક પ્રદૂષણ વર્તમાન ગતિએ વધતું રહેશે, તો તે 2040 સુધીમાં ત્રણ ગણું થઈ જશે. ત્યારે દર વર્ષે 23 થી 37 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઉમેરાતો રહેશે. આનો અર્થ એ છે કે પ્લાસ્ટિકના લાખો ટુકડાઓ દરરોજ દરિયાઇ જીવન અને ઇકોસિસ્ટમ્સને નુકસાન પહોંચાડશે.
આ મોરચે ભારતની સ્થિતિ પણ ચિંતાજનક છે. ગયાં વર્ષે એક અહેવાલ અનુસાર, વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષણનો પાંચમો ભાગ એકલાં ભારતમાં જ પેદા થાય છે. ભારત દર વર્ષે લગભગ 58 મિલિયન ટન પ્લાસ્ટિક બાળે છે અને 2.5 મિલિયન ટન પ્લાસ્ટિકને જમીન, હવા અને પાણી પર કાટમાળ તરીકે છોડી દે છે.
આ રીતે જોવા જઈએ તો ભારત વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક દેશ બની ગયો છે. આવી સ્થિતિમાં જાપાની વૈજ્ઞાનિકોનું આ નવું પ્લાસ્ટિક આશાનું એક મોટું કિરણ બતાવી રહ્યું છે. જો આને મોટા પાયે લાવી શકાય તો તે પ્લાસ્ટિક પ્રદૂષણને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો કે આનો કોમર્શિયલ ઉપયોગ માટે આપણે થોડી વધુ રાહ જોવી પડશે, પરંતુ જે રીતે આ ટેક્નોલોજી પર ઝડપથી કામ થઈ રહ્યું છે, તે આગામી સમયમાં દુનિયા માટે મોટી ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.