Jasdan,તા.30
જસદણ તાલુકાના વેરાવળ (સાણથલી) ગામે ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ધોળા દિવસે મકાનમાંથી રોકડ રૂપિયા 3 લાખની ચોરી કરી લીધી હતી. જે અંગે ખેડૂત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા આટકોટ પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ, મૂળ જસદણના વેરાવળ (સાણથલી) ના વતની અને હાલ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ પરસોત્તમભાઈ ભુવા(ઉ.વ 44) દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ તથા શાપર વેરાવળ ખાતે લોખંડ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે.
ગત તારીખ 23/10/ 2024 ના ફરિયાદીના મોટાભાઈ કેતનભાઇ સુરતથી તેમના સાસુનું અવસાન થયું હોય જેથી અહીં સાણથલી આવ્યા હતા અને ફરિયાદીના ઘરે રોકાયા હતા. તારીખ 27/10 ના પાણીઢોળ વિધિ હોય જેથી તેઓ સવારે નવ વાગ્યે પાંચવડા ગામે ગયા હતા બાદમાં સાંજના ચારેક વાગ્યે ઘરે આવતા મકાનની બંને બાજુના ડેલા અંદરથી બંધ હતા અને તેઓ થાં ભલા મારફત અંદર જઈ જોતા મકાનમાં સામાન વેરવિખેર હોય ચોરી થયાની શંકા ગઈ હતી. જેથી તેમણે પોતાના નાનાભાઈને ફોન કરી આ બાબતની જાણ કરી મકાનમાં કોઈ રકમ તો ન હતી ? તેવું પૂછ્યું હતું જેથી ફરિયાદીએ કહ્યું હતું કે મેં રૂમના કબાટમાં મગફળી વેચાણના રૂપિયા 1.66 લાખ અને તે સિવાય બચત કરેલા રૂપિયા 1.34 લાખ રાખ્યા હતા. જેથી ફરિયાદીના મોટાભાઈએ તુરંત કબાટમાં જોતા તેમાં આ રોકડ રકમ જોવા મળી ન હતી.
આમ બપોરના 12:30 થી ચારેક વાગ્યાના સમય દરમિયાન કોઈ શખસોએ ઘરમાં પ્રવેશી ઓસરીની ગ્રીલના દરવાજાનો હુક તોડી બે રૂમના દરવાજાના નકુચા તોડી રૂમમાં પ્રવેશ કરી મકાનમાંથી રોકડ રૂપિયા 3 લાખની ચોરી કરી ગયા હતા જે અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગળ મેળવવા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.