Rajkotતા.૨૫
સૌરાષ્ટ્રની રાજનીતિમાં લાંબા સમયથી ચર્ચિત એવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢના દલિત અગ્રણી રાજુ સોલંકી વચ્ચેના વિવાદમાં આખરે સુખદ અંત આવ્યો છે. ૨૦૨૫ના સૌથી મોટા ગણાતા આ વિવાદમાં બંને પક્ષોએ સમાધાન કરી લીધું છે, જોકે આ સમાધાનને લઈને દલિત સમાજના અન્ય આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજુ સોલંકીએ સમાધાન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રાજુ સોલંકીએ જણાવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના ૨-૩ લોકોએ મને ગેરમાર્ગે દોર્યા હતો. જયરાજસિંહ જાડેજાને બદનામ કરવા માટે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવાના આશયથી આ વિવાદને વધુ વકરાવવામાં આવ્યો હતો.રાજુ સોલંકીએ કબૂલ્યું કે તેમને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા માટે પણ ઉશ્કેરવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં રાજુ સખિયા અને દિનેશ પાતર પણ સામેલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ સમાધાન અંગે જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, આ સમાધાનમાં કોઈ પણ પ્રકારની નાણાકીય લેતી-દેતી કે સોદો થયો નથી. તેમણે માનવતાના ધોરણે દલિત સમાજના સમૂહ લગ્નમાં ભોજન સમારોહ માટે મદદ કરવાની જાહેરાત કરી છે. તેમણે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને આ વિવાદ વકરાવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
આ વિવાદની શરૂઆત મેં ૨૦૨૪માં થઈ હતી, જ્યારે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે માથાકૂટ થઈ હતી. આ ઘટનામાં અપહરણ અને માર મારવાના આક્ષેપો સાથે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગણેશ જાડેજાએ જેલવાસ ભોગવવો પડ્યો હતો, જ્યારે ઓગસ્ટ ૨૦૨૪માં રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા તેઓને પણ સુરત જેલમાં જવું પડ્યું હતું.
આ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવા છતાં, દલિત સમાજના અન્ય આગેવાનો આ નિર્ણયથી નાખુશ છે. ઘોઘાવદર ખાતે મળેલી અનુસૂચિત જાતિના આગેવાનોની બેઠકમાં આ ’પાછલા બારણે’ થયેલા સમાધાનનો વિરોધ કરવામાં આવ્યો છે. આગેવાને જણાવ્યું કે સમાજ આ મામલે કોર્ટમાં ’થર્ડ પાર્ટી’ તરીકે જોડાશે. તેઓ અદાલતને વિનંતી કરશે કે આ ગંભીર કેસમાં ફરિયાદીનું સમાધાન માન્ય રાખવામાં ન આવે, કારણ કે તેમાં પુરાવાઓ હોવા છતાં તપાસમાં કાવતરું ઘડાયું છે.
૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ધોરાજી ખાતે દલિત સમાજનું એક મોટું સંમેલન યોજાશે, તેવી પણ માહિતીઓ મળી રહી છે. જેમાં સમાધાન કરનાર પક્ષનો બહિષ્કાર કરવા અને આગામી કાનૂની લડત અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે.

