Gadhada,તા.25
ગુજરાતમાં નવરાત્રિના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ યોજાતા મહોત્સવોમાં જાણીતા કલાકારો હાજરી આપી રહ્યા છે, ત્યારે ગઢડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય કલાકાર દિલીપ જોષી (જેઠાલાલ)એ વિશેષ હાજરી આપી હતી. ‘જેઠાલાલ’ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગઢડાના રેલવે ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા લોકપ્રિય કલાકાર દિલીપ જોષીનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેઠાલાલની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે દિલીપ જોષીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી અને યુવાનોને ખાસ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું, ‘દરેક યુવાને વ્યસનથી દૂર રહેવું જોઈએ. ગુજરાતમાં બીજું નહીં પણ પાન-માવાનું વ્યસન ઘર કરી ગયું છે. તો આપણે તેનાથી દૂર રહેવું જોઈએ.’
તેમણે સિરિયલના સંદર્ભમાં ઉદાહરણ આપતા કહ્યું કે, ‘જેમ જેઠાલાલ તેના પિતા ચંપકલાલના પગે પડે છે, તેમ આપણે ગમે તેટલા મોટા કે સફળ હોઈએ, પરંતુ આપણા માતા-પિતાના પગે લાગવું જોઈએ અને તેમના આશિર્વાદ લેવા જોઈએ. કારણ કે, આપણા મા-બાપ છે તો આપણે છીએ.’