Jetpur, તા.30
પીઠડીયા ટોલનાકા સામે રહેતાં અને ટોલનાકામાં પાણી અને સિંગ વેંચતા યુવાનના ઘરમાં તસ્કરોએ ત્રાટકી હાથફેરો કરી : રૂ.1.63 લાખના દાગીનાની ચોરી નાસી છૂટતાં વિરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે, 100 વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતાં હસમુખભાઇ ઉર્ફે ટમન ઘુસાભાઇ મહીડા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને ત્રણ સંતાનો તેમજ નાના ભાઈ સાથે રહે છે.
પોતે પાણીની બોટલ તથા સિંગ-દાળીયા વહેચવાની મજુરીકામ કરે છે. ગઇ તા.21/11/2024 ના સવારના સમયે તેઓ તેમના માતા પિતા અને ભાઈ અલગ-અલગ પોતાની મેળે કામધંધે જતા રહેલ હતા. બાદમાં તેમની પાસે જ્યારે પાણીની બોટલો કે અન્ય વસ્તુઓ ખુટી રહે ત્યારે પરત ઘરે કે જ્યાં નીચે રૂમમા માલ-સામાનનો સ્ટોક રાખેલ હોય ત્યાંથી જરૂરીયાત મુજબનો માલ લઇ જતો હતો.
તે દિવસે તેઓ બે થી ત્રણ વખત ઘરે માલ-સામાન લેવા ગયેલ હતો. ત્યારબાદ સાંજના નવ-દસેક વાગ્યે કામ પુરુ કરી તેઓ તેના નાના ભાઈ વિશાલ સાથે ઘરે પરત ગયેલ અને જે માલ-સામાન વધેલ હોય તે ઘરમા નીચેના માલ સામાન રૂમમા રાખી દિધેલ હતો. ત્યારબાદ બંને ભાઈઓ બીજા માળે નાના ભાઈ વિશાલના રૂમમા ગયેલ અને ત્યાં રોજે રોજનો હિસાબ કીતાબ કરતા હતા. હિસાબ કરીને જે પૈસા વધેલ હોય તે પૈસા લઇ તેઓ પોતાના રૂમમા ગયેલ અને તેઓ જ્યાં બેરલ પાસે પૈસા રાખતો હોય ત્યાં જઇ તેમને એક વેપારીને પૈસા આપવાના હોય જેથી બેરલ ઉપર રાખેલ પૈસા જેમના તેમ હતા.
ત્યાં બેરલની પાછળ કપડાની થેલીમા તેમજ બેરલમા બચત મુડીના રાખેલ રોકડ રૂપિયા જોવામા આવેલ નહી, તે છુટા છટા રાખેલ હતા જે રૂપિયા ગણેલ ન હતા. તેઓને લાગેલ કે, કોઈ વેપારીનુ બીલ ભરેલ હશે.બાદમાં તે ઘર પાસે આવેલ દુકાને જતો રહેલ હતો. ત્યાં તેમની સાથે કામ કરતાં મજુર અયુબભાઈને બનાવની વાત કરેલ અને ત્યાંથી પરત મારા ઘરે આવી રૂમમા પેટી પલંગમા સોના ચાંદીના ઘરેણા એક સ્ટીલના ડબરામા રાખેલ હોય જે ડબરામા જોતા એક સોનાનો ચેઇન 24 ગ્રામ, સોનાની વીંટી, પત્નીની કાનમા પહેરવાની સોનાની કાનસર સહિતનો મુદામાલ જોવા મળેલ નહીં.
જે બાદ તેમના ભાઈ વિશાલના રૂમમા તપાસ કરતા તેમના રૂમમા રહેલ સેટી પલંગમાથી બે જોડી ચાંદીના સાંકળા તેમજ એક મોબાઇલ ફોન તે પણ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યાં તસ્કરો ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.63 લાખનો મુદામાલ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી વિરપુર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.વી.ગલચર સહિતના સ્ટાફે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.