રૂ. 1.05 લાખના વાહનો સાથે નકળંગ આશ્રમ રોડ પરથી સગીરને દબોચી લેવાયો : વીરપુરના અરવિંદ ટકાની શોધખોળ
Jetpur,તા.31
રાજકોટ જિલ્લાભરમાં બાઈક ચોરીને અંજામ આપતાં સગીરને જેતપુરના નકળંગ આશ્રમ રોડ પરથી ચોરાઉ બાઈક સાથે ઝડપી લેવાયો હતો. જે બાદ સગીરે ગોંડલ, જેતપુર પંથકમાંથી અલગ અલગ સમયે ચાર વાહનો ચોરી ગયાની જયારે જેતપુરના નવાગઢ અને જૂનાગઢના વડાલ ગામેથી કેબલ ચોરી કર્યાની કેફીયત આપી હતી. જેતપુર પોલીસે રૂ. 1.05 લાખની કિંમતના ચાર વાહનો કબ્જે કરી વીરપુરના અરવિંદ ઉર્ફે ટકાની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર   જેતપુરના નકળંગ આશ્રમ રોડ પર એક શખસ ચોરાઉ બાઇક સાથે હાજર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બાઈક સાથે એક શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા તસ્કર બાળ સગીર હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાઈક અંગે આધાર પુરાવા માંગતા બાળ સગીરે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે સઘન પૂછપરછ કરી હતી. બાદ બાળ સગીરે રૂ.૨o હજારની કિંમતનું બાઇક સાત દિવસ પહેલા જેતપુરના નવાગઢ રોડ બશેરાના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. બાદમાં પોલીસે બાળ સગીરના પિતાની હાજરીમાં મૌખિક પૂછપરછ કરતા વીરપુરમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતો સહ આરોપી અરવિંદ ઉર્ફે ટકો રાઠોડ સાથે મળી અન્ય ત્રણ બાઈક જેતપુર શહેર, જેતપુર ઉદ્યોગનગર અને ગોંડલમાંથી ચોરી કરી ઇદગાહ ગ્રાઉન્ડમાં અવાવરૂ સ્થળે રાખી હોવાની કબૂલાત આપી હતી.
બાળ સગીર અને સહ આરોપીએ સાથે મળી સાત દિવસ પહેલા ચાર બાઈક ચોરી કર્યા હતા. જેમાં જેતપુરના દાસીજીવણપરામાંથી રૂ.૧૫ હજારની કિંમતનું બાઇક, રૂ.૨૦ની કિંમતનું બાઈક બપોરના સમયે ગોંડલમાં આવેલ  દરગાહ પાસે જાહેર રોડ ખાતેથી રૂ.૫૦ હજારની કિંમતનું બાઈક, જેતપુરના જનતાનગર કેનાલ કાંઠે આવેલ બંધ કારખાનામાંથી અને જેતપુર નવાગઢ રોડ રેઇન બશેરાના પાર્કિંગમાંથી રૂ.૧૫ હજારની કિંમતનું બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે કુલ રૂ.૧,૦૫,૦૦૦ ની કિંમતના ચાર ચોરાઉ બાઈક કબજે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી અન્ય સહ આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આ સિવાય આઠ દિવસ પહેલા બંને શખસોએ જેતપુર તાલુકાના પેઢલા ગામની સીમની ત્રણ વાડીમાંથી કેબલ ચોરી અને 15 દિવસ પહેલા જુનાગઢ તાલુકાના વડાલ ગામની સીમની બે વાડીમાંથી કેબલ ચોરી કર્યા હતા.

