Jamnagar,તા.12
જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લા માં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોળ અને જોડીયા પોલીસ મથકમાં નોંધાયા છે.
ધ્રોલમાં લૈંયારા ગામમાં એક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂ.૧૦,૦૦૦ પડાવી લીધા નું જાહેર થયું છે, તેમજ જોડિયા તાલુકાના કૂન્નડ અને હડિયાણા ગામમાં બે વ્યક્તિ પાસેથી રૂ.૧૫,૦૦૦ નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે બે ગુન્હા દાખલ કરાયા છે.
ધ્રોળ તાલુકાના લૈંયારા ગામમાં રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા એ ધ્રોળ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણ ઉપરાંત વીરુબેન, ગીતાબેન, રાજેશ્રીબેન અને જગદીશ સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારી ના નામે ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક ૧૦,૦૦૦ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત જોડિયામાં રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયા એ હડિયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહ્યા હતા, જે દરમિયાન કરસનભાઈ ઉપરાંત વૈશાલીબેન, જ્યોતિબેન અને વીરુબેન એક કારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂપિયા દસ હજાર પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ત્યારબાદ જોડિયા તાલુકા ના કુંન્નડ ગામમાં માટી કાઢવાનું કામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઇ ધ્રાંગીયા નામના ભરવાડ યુવાને પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વિડીયો ઉતારી, વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા ૫,૦૦૦ પડાવી લેવા અંગે પ્રવીણ ઉપરાંત સવજીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.