Mumbai,તા.28
કોમેડિયન જોની લીવર બોલિવૂડના જાણીતા કલાકારોમાંના એક છે. તેમની કોમેડી, કલાકારી, કોમિક ટાઈમિંગનો કોઈ જવાબ નથી. હાલમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે નવા એક્ટર-એકટ્રસ અને કોમેડિયનને ઠપકો આપતા સાફ અને સ્વચ્છ કોન્ટેન્ટ બનાવી લોકોને હસાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દ્વિઅર્થી કોમેડી સામે મને સખત નારાજગી છે. જોની લીવરે 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની ખૂબ સરસ કોમેડીથી દર્શકોને હસાવતા આવી રહ્યાં છે. એક ઈન્ટટવ્યૂમાં જોનીએ કહ્યું હતું કે ‘દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરનારા કોમેડિયન હોલિવૂડથી પ્રેરિત છે. વિચાર કર્યા વગર કોન્ટેન્ટની નકલ ઉતારવાના કારણે એક્ટર્સ અને કોમેડિયન્સ આવા બની ગયા છે. હોલિવૂડ ફિલ્મોના કારણે આજે લોકો ફિલ્મોમાં બિન્દાસ ગાળો આપે છે. પશ્ચિમ દેશોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ અને અશ્લીલ મજાક કરવી સામાન્ય છે. હવે બોલિવૂડના અભિનેતા અને કોમેડિયન પણ તેની નકલ કરે છે. એમને એક આદત પડી ગઈ છે. તે હવે માત્ર અંગ્રેજી ફિલ્મો જ જુએ છે.’જોની લીવરે જણાવ્યું કે ‘મેકર્સ અને અભિનેતા હોલિવૂડથી ઘણી બાબતો શીખે છે, એ વિચારીને કે ચાલી જશે, શું ફરક પડશે. દ્વિઅર્થી જોક્સ સામાન્ય થઈ ગયા છે, આજકાલ તો વધારે સ્ટેન્ડ-અપ કોન્ટેન્ટ દ્વિઅર્થી જ હોય છે, પરંતુ અમને સ્ટેન્ડઅપ કોમેડીની ટ્રેનિંગ મળી હતી ત્યારે અમને શીખવવામાં આવ્યું હતું કે, ક્યારેય આ રસ્તે ના જતા. જો તમે દ્વિઅર્થી જોક્સ કરશો, તો ટકી નહીં શકો. તેથી અમે ક્યારેય તે રસ્તો પસંદ કર્યો ન હતો.’