Veraval તા.૨૩
ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલનાં જણાવ્યા અનુસાર આજ તા. ૨૨/૬/૨૦૨૫ નાં રોજ મહારાષ્ટ્રનાં જોઈન્ટ કમિશ્નર ઓફ ફીશરીઝ યુવરાજ એ.ચીંગલે તથા ડેપ્યુટી કમિશ્નર ઓફ ફીશરીઝ નાગનાથ વિનાયક ભડોલે સૌરાષ્ટ્રનાં વિવિધ બંદરોની મુલાકાતે આવેલ છે અને તે અન્વયે આજરોજ ઉકત બન્ને અધિકારીઓ ધ્વારા વેરાવળ બંદરની મુલાકાત લીધેલ હતી.
આ બન્ને અધિકારીઓની સાથે સ્થાનિક માછીમાર આગેવાનો તુલસીભાઈ ગોહેલ,પ્રમુખ ખારવા સંયુકત માછીમાર બોટ એશોસીએશન,બાબુભાઈ ગોહેલ,પટેલ લોધી સમાજ, બોટ એશો. ના ઉપપ્રમુખ પ્રવિણભાઈ સુયાણી તથા અન્ય આગેવાનો જોડાયા હતા અને વેરાવળ બંદરની મુલાકાત દરમ્યાન અહીંની ફીશીંગ એકટીવીટી બાબતે મહારાષ્ટ્રથી પધારેલ બન્ને અધિકારીઓને વાકેફ કરેલ હતા.આ વિઝીટ દરમ્યાન મહારાષ્ટ્રનાં બન્ને અધિકારીઓ ધ્વારા મહારાષ્ટ્ર સરકારશ્રી દવારા ત્યાંનાં માચ્છીમારોને વિવિધ વેલ્ફેર યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા લાભોની જાણકારી આપવામાં આવેલ. તદ્દઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દવારા ત્યાનાં માછીમારી વ્યવસાયને એગ્રીકલ્ચરનો દરજજો આપવામાં આવેલ છે તેની જાણકારી આપેલ હતી, જેનાં અનુસંધાને વેરાવળ બંદરના માછીમાર આગેવાનો દ્વારા મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આ મોડેલને લાગુ કરવા માટે ગુજરાત સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનું નકકી થયેલ, જેથી કરીને ગુજરાતનાં માછીમારોની આ લાંબાગાળાની માંગણીનો નિકાલ થઈ શકે.
તદ્દઉપરાંત મહારાષ્ટ્ર સરકારનાં ફીશરીઝ વિભાગ દવારા રાજયમાં ગેરકાયદેસર પધ્ધતિથી થતી ફીશીંગ એકટીવીટીને કારણે ત્યાનાં માછીમારોને થતું આર્થિક નુકશાન અટકાવવા માટે દરિયા કિનારાથી ૧૨ નોટીકલ માઈલનાં દરિયાઈ વિસ્તારમાં સતત નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જાણકારી સ્થાનિક માછીમાર આગેવાનોને આપવામાં આવેલ, જે મુજબ ગુજરાતનાં ફીશરીઝ ડીપાર્ટમેન્ટ દવારા ગુજરાતમાં પણ આ પ્રકારે ગેરકાયદેસર પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગ એકટીવીટીને અટકાવવા માટે તથા તેની ઉપર સતત વોચ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા બાબતે રાજય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે.