મહિલા સાથેનો આલિંગન કરતા વિડીયો વાયરલ કરવાનો ભય બતાવી તોડ કરવાના મનસુબા સોશિયલ મીડિયાના તોડબાજ પત્રકાર
Rajkot,તા.23
સીસીટીવી કેમેરાના આઇડી-પાસવર્ડ મેળવી ફૂટેજ લીક કરી દેનાર મેન્ટેનન્સ કંપનીના કર્મચારીની શોધખોળ
સમાચાર માધ્યમોના આડમાં ચોપાનિયાનું લાયસન્સ મેળવી સોશિયલ મીડિયાના પત્રકારોના તોડ પ્રકરણ છાસવારે સામે આવતા રહેતા હોય છે. તોડપાણી કરી સમાચાર માધ્યમોને બદનામ કરતા લેભાગુ અને કહેવાતા પત્રકારોનું વધુ એક તોડ પ્રકરણ સામે આવ્યું છે. રાજકોટની શૈક્ષણિક સંસ્થાના સંચાલક શાળા પરિસર સ્થિત તેમની ચેમ્બરમાં મહિલા મિત્રને આલિંગન કરતા હોય તેવો સીસીટીવી ફૂટેજ મેળવી લઇ વાયરલ કરી દેવાની ધમકી આપી રૂ. 25 લાખની ખંડણીની માંગણી કર્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. સમાજમાં બદનામ કરી શૈક્ષણિક સંસ્થાને તાળા મરાવી દેવાની ધમકી આપી ખંડણીની માંગણી કરતા સોશિયલ મીડિયાના તોડબાજ પત્રકાર આશિષ ડાભી, એઝાઝ ગોરી અને ધર્મેશ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જયારે સીસીટીવી કેમેરાના આઇડી પાસવર્ડ મેળવી ફૂટેજ લીક કરનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મામલામાં ગાંધીગ્રામ વિસ્તારના રહેતા યશપાલસિંહ સિંધુભા ચુડાસમા (ઉ.વ.૪૭)એ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા ચોક પાસે નિધી સ્કુલ નામની શૈક્ષણીક સંસ્થા ચલાવે છે અને સમગ્ર શાળા પરીસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૯/૦૫/૨૦૨૫ રોજ સાંજના આશરે ચાર વાગ્યે એક મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવેલ હતો. જે જોતા સોશિયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકનો એક ફોટો હતો જેમાં ‘રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ નામાંકીત સ્કુલનો બિભત્સ વિડીયો થયો વાયરલ’ તેવું લખાણ સાથેનો ફોટો મે જોયેલ હતો. જે ફોટો મારી સ્કુલની ચેમ્બરનો હતો. જેમાં હું અને મારી સ્ત્રી મિત્ર આલિંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું અને જેની નીચે વિદ્યાના મંદીરને કલંકીત કરતો નરાધમ કોણ ? તેવું લખેલ હતું. ત્યારપછી તરત જ મને બીજો મેસેજ આવેલ હતો પણ હું વાંચું તેં પૂર્વે જ બીજો મેસેજ ડીલીટ કરી દેવામાં આવેલ હતો. જેથી આ મે સેજમાં શું લખાણ લખેલ હશે તે હું વાંચી શકેલ નહી. બાદમાં મેં મારી રીતે તપાસ કરતા સોશિયલ રીપોર્ટ સાંધ્ય દૈનીક આશીષ ડાભી સંચાલીત છે તેવું મારા ધ્યાનમાં આવેલ હતું. જેથી હું ખુબ જ ડરી ગયેલ હતો અને મેં મારા મિત્ર અનિરૂધ્ધભાઈ નકુમને ફોન કરી મને બદનામીથી બચાવવા કહેલ હતું.
ત્યારબાદ સોશિયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકની ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામની સાઈટ ઉપર આ ફોટો અપલોડ કરવામાં આવેલ હતો. ત્યારબાદ અનિરૂધ્ધ નકુમએ બીજા દીવસે સવારે મને મળીને જણાવેલ કે, આશીષ ડાભી આવેલ હતો અને તેની પાસે આ પ્રકારના સાત વિડીયો છે. અને આ વિડીયો વાયરલ નહી કરવા પેટે તે રૂ.૨૫ લાખની માંગણી કરે છે તેમજ આ વિડીયો બીજા લોકો પાસે પણ છે. જે લોકો સામે બેસવાની ના પાડે છે. તેમ જણાવી અનિરૂધ્ધએ કહેલ કે, મારા થકી આ મેટર પતી જશે અને તમે જો આ રકમ તેને નહી આપો તો આ વિડીયો વાયરલ થઈ જશે તેમ જણાવેલ હતું. જેથી હું ખૂબ જ ગભરાય ગયેલ અને મને મનોમન આત્મહત્યા કરવાનો વિચાર આવવા લાગેલ હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળાનો મને ફોન આવેલ કે, એજાજ તથા ધર્મેશ નામના વ્યક્તિઓએ તેમની પાસે મારા આ પ્રકારના વિડીયો હોવાની વાત કરેલ છે, જેથી મેં તેમને આ વિડીયોવાળું પ્રકરણ પુરૂ કરાવવા કહેલ હતું. ત્યારબાદ હું મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળા સાથે ફોનથી સતત સંપર્કમાં હોય તેમણે મને ફોન ઉપર કહેલ કે, એજાજ તથા ધર્મેશ બન્ને મારી સાથે સંપર્કમાં છે અને બન્ને પૈસાની માંગણી કરે છે. જો આપણે તેમને પૈસા આપી દેશું તો તેઓ આ વિડીયો વાયરલ નહી કરે અને આ પ્રકરણ પતી જશે. વધુમાં તેમણે કહેલ છે કે, જો આ બાબતે પોલીસ કે અન્ય કોઈને વાત કરશો તો તમારૂ જીવવુ મુશ્કેલ બની જશે. જેથી આ લોકો કાવતરું રચી મને બદનામીનો ડર બતાવી ખંડણીની રકમ પડાવવા માંગતા હોય તેવું મને લાગતું હતું.
મારી સ્કુલમાં જે-તે વખતે સી.સી.ટી.વી. ફીટ કરનાર કંપનીનો માણસ જેની પાસે પાસવર્ડ હતા. તે પાસવર્ડ મેં મારી અજ્ઞાનતાના કારણે બદલાવેલ ન હતા જેથી આ સી.સી.ટી.વી. ફીટ કરનાર માણસએ મારી સ્કુલના ચેમ્બરના સી.સી.ટી.વી. ના વિડીયો મેળવી લઈ ત્રણેય વ્યક્તિઓ સાથે મળી મને બ્લેકમેઈલ કરી મારી પાસેથી મોટી રકમ પડાવવા અને મારા અંગત જીવનને લોકો સમક્ષ મુકી મને તથા મારી શૈક્ષણીક સંસ્થાને બદનામ કરવા કાવતરું રચેલ હતું.
તોડપાણી કરતા સોશિયલ મીડિયામાં વેબ ચેનલના લાયસન્સ સસ્પેન્ડ કરવા જરૂરી
ચોપાનિયાના લાયસન્સ મેળવી સોશિયલ મીડિયામાં વેબ ચેનલ ચલાવતા કહેવાતા પત્રકારો બેફામ અને બેખૌફ બનીને બ્લેકમેલિંગનો ધંધો શરૂ કરી સમાચાર માધ્યમોની વિશ્વનિયતા પર સવાલ ઉભા કરી દેતા હોય છે ત્યારે આ પ્રકારના ગુના દાખલ થતાં પોલીસથી માંડી વહીવટી તંત્રએ આં બાબતની ગંભીરતાથી નોંધ લઇ ચોપાનિયાનું લાયસન્સ કાયમી રદ્દ કરવા અને તોડબાજોને બ્લેક લિસ્ટ કરાવી દેવા જરૂરી બન્યું છે.