Mumbai,તા.16
ફિફા વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિ ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડને 2-1 થી હરાવીને અર્જેન્ટીનાએ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ, આ હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ અને તેમના સ્ટાર મિડફિલ્ડર જૂડ બેલિંગહામ એક મોટા વિવાદમાં ફસાયા છે. મેચ ખતમ થયા બાદ મેદાન પર ખેલાડીઓ વચ્ચે થયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અને વિવાદે મેચના પરિણામ કરતાં પણ વધુ ચર્ચાઓ જગાવી છે.
મેચ પૂરી થયાની અંતિમ વ્હીસલ વાગ્યા બાદ, જ્યારે અર્જેન્ટીનાની ટીમ જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી જૂડ બેલિંગહામ ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે કેમેરામાં અર્જેન્ટીનાના સબસ્ટિટ્યૂટ ખેલાડી વેલેન્ટિન બાર્કોના માથાના પાછળના ભાગે થપ્પડ મારતો સ્પષ્ટ દેખાયો હતો. થપ્પડ માર્યા બાદ બેલિંગહામે બાર્કોને કેટલીક તીખી બોલાચાલી પણ કરી હતી. જોકે, અન્ય ખેલાડીઓએ તરત જ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા.મેચ દરમિયાન અધિકારીઓ (અમ્પાયર) નું ધ્યાન આ ઘટના પર ન ગયું હોવાથી મેદાન પર બેલિંગહામ સામે કોઈ તાત્કાલિક એક્શન લેવાયા નહોતા, પરંતુ હવે વિડીયો ફૂટેજના આધારે ફીફા (FIFA) ની શિસ્ત સમિતિ દ્વારા તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, FIFA આ સમગ્ર મામલાની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે. જો ફૂટેજમાં બેલિંગહામ દોષિત સાબિત થશે, તો તેના પર મોટો દંડ થઈ શકે છે અથવા તો તેને એક મેચ માટે સસ્પેન્ડ (પ્રતિબંધિત) કરવામાં આવી શકે છે. જો આવું થશે, તો શનિવારે ફ્રાન્સ સામે રમાનારી ત્રીજા સ્થાન (Third-place play-off) ની મહત્વની મેચમાંથી બેલિંગહામ બહાર થઈ જશે. જોકે, એવી પણ સંભાવના છે કે FIFA આ બાબતને માત્ર ચેતવણી અથવા દંડ સુધી જ મર્યાદિત રાખે. હાલ આ અંગે સંસ્થા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હાર બાદ બેલિંગહામ ઘણો ભાવુક દેખાયો હતો અને મેદાન પર જ રડી પડ્યો હતો. તેણે યુવા ખેલાડી નિકો ઓ’રાઈલીને સાંત્વના આપી હતી, પરંતુ ત્યારબાદ તે વિવાદમાં કૂદી પડ્યો હતો. મેચ પછીનો બીજો મોટો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સ અને અર્જેન્ટીનાના ખેલાડીઓ વચ્ચે સેન્ટર સર્કલ પર ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. ઇંગ્લેન્ડના રિઝર્વ ગોલકીપર ડીન હેન્ડરસન, જેમ્સ ટ્રેફોર્ડ અને ઇવાન ટોનીએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. રોજર્સને અર્જેન્ટીનાના ડિફેન્ડર લિસાન્દ્રો માર્ટિનેઝથી દૂર રાખવામાં આવ્યો હતો, જ્યારે અર્જેન્ટીનાના બેકઅપ ગોલકીપર જુઆન મુસ્સો સાથે પણ રોજર્સની ઉગ્ર દલીલો થઈ હતી. બીજી તરફ, ઇંગ્લેન્ડના ડેન બર્નને અર્જેન્ટીનાના એન્ઝો ફર્નાન્ડેઝ અને ક્રિસ્ટિયન રોમેરોએ ઘેરી લીધો હતો, જ્યારે ઇવાન ટોની અર્જેન્ટીનાના ગોન્ઝાલો મોન્ટિએલને શાંત કરતો જોવા મળ્યો હતો.

