Junagadh તા. ૨૨
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા. ૧૭-૦૯-૨૦૨૫ થી તા. ૦૨-૧૦-૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અને ૮ માં રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ઘરવામાં આવ્યુ છે. આ અભિયાનના ભાગ રૂપે જુનાગઢ જિલ્લામાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવી રહયુ છે. જેમાં લોકોને નિષ્ણાંત તબીબોની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા. ૨૧ સપ્ટેમ્બર સુધીમાં વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ-૯૯૯ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતા. તેમજ ૨૮ સ્પેશ્યાલીસ્ટ કેમ્પ સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ ૩૬૧૮૪ લાભાર્થીને નિષ્ણાત તબીબ દ્વારા તપાસ, નિદાન અને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ૭ જેટલા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૮૫૯ યુનીટ બ્લડનું ક્લેકશન કરવામાં આવ્યું હતુ.
તદુપરાંત, જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની કુલ ૪૬ માધ્યમિક શાળાની આશરે ૨૫૦૦ જેટલી તરૂણીઓની આરોગ્ય તપાસ પૂર્ણ કરવામાં આવી છે. અને હજુ આ કાર્યક્રમ તા. ૨ ઓક્ટોબર સુધી શરૂ રહેવાનો હોઈ, ત્યારે વધુમાં વધુ લાભાર્થીઓને તેનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા પંચાયત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.