Junagadh, તા.8
માણાવદરના વૃધ્ધ વેપારીના મોબાઇલ પર આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી અજાણ્યા શખ્સે ફોન હેક કરી દીધો હતો અને બેન્કના ખાતામાંથી કુલ 14.36 લાખ ઉપાડી લઇ અલગ અલગ ક્રેડીટ કાર્ડમાં જમા કરાવી લીધા હતા જેની વેપારીએ સાયબર પોલીસને લેખીતમાં ફરીયાદ કરી છે.
માણાવદર મહાદેવ રોડ પર આવેલ પટેલ ચોકમાં રહેતા અને કપાસની લે-વેંચ કરતા પ્રેમજીભાઇ નાથાભાઇ મણવર (ઉ.વ.74)ની પેઢીનું એચડીએફસી બેંકમાં ખાતુ આવેલ હોય ગત તા. 9-7-25ના પ્રેમજીભાઇ ઓફીસે હતા ત્યારે તેના વોટસઅપમાં આરટીઓ ઇ-ચલણની એપીકે ફાઇલ આવેલ હતી.
પ્રેમજીભાઇ કાર લઇને રાજકોટ લગ્નમાં ગયા હોવાથી ટ્રાફિકનો નિયમનો ભંગ થયો હશે તેથી આરટીઓએ ઇ-ચલણ મોકલ્યુ હોવાનું માની લઇ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી ફાઇલ ખોલતા જ ફોન હેક થઇ ગયો હતો અને ખાતામાંથી પૈસા ઉપડયાના તેના ઓટીપી આવવા લાગ્યા હતા.
તેઓએ તાત્કાલીક બેંકના ખાતામાં જઇ તપાસ કરતા 4.97 લાખના બે, ત્રણ લાખનું એક અને 1.38 લાખનું એક મળી કુલ ચાર ટ્રાન્ઝેકશન દ્વારા રૂા. 14,36,63ર રૂપિયા તેના ખાતામાંથી ટ્રાન્સફર થઇ ગયા હતા.
આથી ખાતુ બ્લોક કરાવી દીધુ હતું અને એપીકે એપ્લીકેશન કરી હતી બાદમાં 1930 સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર પોલીસે તપાસ કરતા અજાણ્યા શખ્સે ચારેય ટ્રાન્ઝેકશન અલગ અલગ બેન્કના ક્રેડીટ કાર્ડમાં જમા કર્યાનું જાણવા મળેલ હતું. જેથી સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

