Junagadh,તા.૮
આવતી કાલે જુનાગઢ શહેરનો મૂક્તિ દિવસ છે. ૯મી નવેમ્બરે જુનાગઢને અખંડ ભારતના હિસ્સા તરીકે સામેલ કરાયું, ત્યારથી દર વર્ષે ૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢનો મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ભાગરૂપે એકતા પદયાત્રાનુ પ્રસ્થાન થનાર છે. જેને લઈને પદયાત્રાના માર્ગમાં આવતા તમામ રોડ પરથી વાહન વ્યવહાર સવારના સાત વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી અન્ય વૈકલ્પિક માર્ગ પર તમામ વાહનો ડાઈવર્ટ કરવામાં આવ્યો છે.
આવતીકાલે સવારે ૭ વાગ્યાથી લઈને બપોરના ૨ વાગ્યા સુધી સોમનાથ, વિસાવદર, રાજકોટ અને જામનગર તરફથી આવતા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા વાહન વ્યવહાર માટે કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જતા વાહનોને કાળવા ચોક ગીરનાર દરવાજા અને મજેવડી ગેટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે સોમનાથ તરફથી આવતા વાહનો માટે મધુરમ બાયપાસ અને ઝાંઝરડા ચોકડી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આવી જ રીતે રાજકોટ અને જામનગરથી આવતા વાહનો મજેવડી દરવાજાથી ભવનાથ ખામધ્રોળ રોડ તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.
જુનાગઢ એસટી ડેપોમાંથી નીકળતા વાહનો ઝાંસીની રાણી સર્કલ અને મોતીબાગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આવતી કાલે સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી નવા સુચિત માર્ગો પર વાહન વ્યવહાર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક વાહન ચાલકોને નવા વૈકલ્પિક માર્ગ પર વાહન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

