Jetpur. તા.29
જેતપુરના અમરનગર વિસ્તારમાં આવેલી ઓમ હાર્ડવેર નામની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઉકેલી નાંખ્યો છે. પોલીસે આ ચોરીમાં હાલ જૂનાગઢમાં રહેતા મૂળ અમેરલીના વતની શખ્સને ઝડપી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરમાં અમરનગર રોડ પર આવેલી ઓમ સ્ટીલ નામની હાર્ડવેરની દુકાનમાંથી ગત તા.23/7 ના રોજ રોકડ રકમ અને ખીલાસરી સહિતનો સામાન મળી કુલ રૂ।40 હજારની ચોરી થઇ હતી. જે અંગે વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી.
ચોરીના આ બનાવને લઇ રાજકોટ એસપી હિમકરસિંહ દ્વારા ગુનો ડિટેકટ કરવાની આપેલ સૂચનાથી જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ વી.એમ.ડોડીયા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોન્સ. ભગરથસિંહ જાડેજા અને પ્રદીપભાઇ અગરીયાને મળેલી બાતમીના આધારે હાર્ડવેરની દુકાનમાં થયેલી આ ચોરીમાં નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી એક શખસને ઝડપી લીધો હતો.
પોલીસે તેની પુછતાછ કરતા તેનું નામ અમર ઉર્ફે અમિત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા(ઉ.વ 23 રહે. હાલ જુનાગઢ મૂળ અમરેલી) હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની સઘન પુછતાછ કરતા તેણે ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપી સામે અગાઉ કેશોદ,અમરેલી,ભાવનગર અને રાજકોટ ગ્રામ્યમાં ચોરી, ઘરફોડ ચોરી સહિતના આઠ ગુના નોંધાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી અન્ય કોઇ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.