Junagadh, તા.6
જુનાગઢ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર સોનલબેન કારાભાઇ રાડાનું સભ્યપદ અનુસૂચિત આદિજાતિનો દાખલો ખોટો હોવાથી વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવતા જેના કારણે સોનલબેન રાડાનું સભ્યપદ રદ થતા કોંગીના કોર્પોરેટરની સંખ્યા ઘટવા પામી છે. વોર્ડ નં. 15ની બેઠક પર આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાશે.
ગત સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. 15માં સોનલબેન કારાભાઇ રાડા અનુસૂચિત આદિજાતિની બેઠક પર કોંગીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂંટાઇ આવ્યા હતા તેઓને જુનાગઢ શહેર મામલતદાર દ્વારા વર્ષ 2016માં અનુસૂચિત આદિજાતિના દાખલા આપવામાં આવ્યા હતા.
જે દાખલાના આધારે તેઓ આદિજાતિની બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને કોંગી કોર્પોરેટર તરીકે મહિલા તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ દાખલા અંગેની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઇ કરવામાં આવતા તેઓ બરડા કે ગીર આલેચના માલધારી ન હોવાનો ઘટસ્ફોટ થતા જેના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિએ જુનાગઢ મામલતદાર દ્વારા સોનલબેન રાડાનો અનુસૂચિત આદિજાતિનો દાખલો રદ કરવામાં આવતા કમિશ્નર દ્વારા તેમનું સભ્યપદ કરવામાં આવ્યું છે.