Junagadh તા. ૨૨
આજે આસો સુદ એકમ એટલે કે, જગત જનની જગદંબાની આરાધના માટે નવલા નોરતાના વધામણાનો પ્રથમ દિવસ… દેશભરમાં માતાજીના પાવન પવિત્ર આ દિવસોની ઉત્સાહ અને ઉમંગથી માઈ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને ખેલૈયાઓ થનગની રહ્યા હોય છે ત્યારે જુનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠમાં પણ આજથી પૂરા ભાવ ભક્તિ સાથે વાતતે ગાજતે નવરાત્રીનો પરમ પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સૂરજ આથમતાની સાથે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવા ભાત ભાતના સાજ સજી તૈયાર થઈ ગયા હતા, તો સમગ્ર સોરઠ પંથકમાં માતાજીના મઠો, મંદિરોને આસોપાલવના પાન, ફૂલના તોરણ અને અનેક રીતે શણગારવામાં આવ્યા છે. રોશનીથી મંદિરોને ઝળકાવવામાં આવ્યા છે, માઈ ભક્તોએ અનુષ્ઠાન શરૂ કરી દીધા છે, મંદિરો અને મઠોમાં વિશેષ દર્શન, પૂજન, અર્ચન અને આરતીના આયોજન કરવામાં આવ્યા છે.
આમ જોઈએ તો, સોરઠ પંથક અને ખાસ કરીને જૂનાગઢવાસીઓ દરેક તહેવારને માણવા માટે ઉત્સુક હોય છે ત્યારે નવરાત્રી પર ઢોલ, તબલા, બોન્ડના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં કેમ પાછા પડી શકે ! અને આમેય સોરઠ પંથકના ખેલૈયાઓ તો રાસ ગરબાની જમાવટ માટે જગ પ્રખ્યાત છે અને સોરઠ પંથક એટલે સંસ્કૃતિનું ભૂમિ એટલે રાસ ગરબા તો સોરઠ વાસીઓના લોહીમાં વહી રહ્યા છે ત્યારે આજથી પ્રારંભ થતાં નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓ જોરદાર જમાવટ કરશે અને આબુ સતત નવરાત્રી સુધી બાળકોથી લઈને વયોર્દ સુધીના લોકો માં જગદંબા ના રાસ ગરબાની રમઝટ બોલાવશે.
જુનાગઢ મહાનગર અને જિલ્લામાં મળી કુલ ૬૫૦ જેટલા ગરબીના આયોજન છે જેમાં શહેરમાં ૧૯ અર્વાચીન અને ૧૦૫ પ્રાચીન આયોજનો કરવામાં આવ્યા છે. આ તમામ ગરબીઓમાં ધૂમ મચાવા માટે ખેલૈયાઓ છેલ્લા કેટલાય દિવસથી તનતોળો મહેનત કરી રહ્યા હતા, પ્રાચીન ગરબી માટે નાની બાળાઓ મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહી હતી, અર્વાચીન ઠુમકા લેવા યુવક યુવતીઓ રૂપિયા ખર્ચી મહિનાઓથી કલાસ લઈ રહી હતી, અને આજે સૌ કોઈ ખેલૈયાઓનો નવરાત્રી પર ગરબા રમવાની આતુરતાનો અંત આવ્યો છે.
બીજી તરફ જુનાગઢ મહાનગર એટલે ધાર્મિક નગરી, પુરાણોમાં ઉલ્લેખ મુજબ માત્ર ગિરનાર પર્વત પર જ ૬૪ જોગણીઓ, અને શહેરમાં પણ વિવિધ મંદિરો, મઢમાં કલ્યાણકારી, જગ ઉધારક સાક્ષાત માતાજીના બેસણા છે, ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર નવરાત્રી પર્વની માનભેર ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. મંદિરોમાં રોજ માતાજીની મહા આરતી તેમજ પ્રસાદ અને મંદિર તેમજ માતાજીની પ્રતિમાઓને શણગાર માટે ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.