થોડા દિવસ પહેલા મેંદરડા પોલીસ સ્ટેશનમાં સાસણના આરએફઓ યશ ઉમરાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાસણ સ્થિત સરકારી સિંહ સદન ગેસ્ટહાઉસમાં કોઈ જાતની ઓનલાઈન બુકિંગ પ્રણાલી કે વેબસાઈટ અમલમાં નથી છતાં અજાણ્યા ઈસમે સાસણ આવવા માંગતા પ્રવાસીઓને છેતરવા માટે અસલી જેવી લાગતી વેબસાઈટ બનાવી ગેરકાયદેસર રીતે રૂમ બુકિંગ તથા સફારી બુકિંગ કરી તેના નાણાં ટ્રાન્સફર કરાવી લઈ નકલી રિસીપ્ટ ઈશ્યુ કરી પ્રવાસીઓ અને વન વિભાગ સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે મેંદરડા પોલીસ તથા એએસપી દ્વારા આઈપી ડિટેલ્સ તથા અન્ય ટેકનિકલ એનાલીસસના આધારે ફેક વેબસાઈટ મેવાત પ્રદેશના ડિગ જીલ્લાના રાજસ્થાન ખાતેથી ઓપરેટ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીને શોધવા મેંદરડાની ટીમ ત્યાં પહોંચી રાશીદખાન અયુબખાન જાતે મેવ મુસ્લીમ(ઉ.વ.ર૩) રહે. કાબાન કા વાસ, ગઢી મેવાત, તા.જી. ડિગ, રાજસ્થાન વાળાને પકડી લીધો છે. આરોપી પાસેથી ગુનો આચરવા માટે ઉપયોગમાં લેતો બંને મોબાઈલ પણ કબ્જે લીધા છે. આરોપી મોટાભાગે વ્હોટસએપ કોલિંગમાં જ વાત કરતો હતો. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં તેણે યુપી, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, તેલંગાણા, હરિયાણાના ર૦ જેટલા પર્યટકો અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી હોય તેવી સાયબર પોર્ટલ પર ફરિયાદ મળી છે. કેટલી-કેટલી રકમની છેતરપિંડી કરી છે, ક્યા બેંક એકાઉન્ટમાં તે રકમ જમા કરાવતો હતો, કુલ કેટલી રકમનું ફ્રોડ કર્યું છે તે અંગેની તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
આરોપી રશીદખાન સ્કૂલ ડ્રોપ આઉટ હોવા છતાં પોતાની જાતે જ પ્રેક્ટીસથી ટેકનોલોજી શીખી ટેકડો નામની વેબડિઝાઈનીંગ, સોફ્ટવેર કોડીંગ તેમજ એપ્લીકેશન શીખડાવતી ઈન્સ્ટીટયુટ પોતાના વતન ખાતે ચલાવે છે. નકલી વેબસાઈટ બનાવી બોગસ નંબરથી વ્હોટસએપ કોલીંગનો ઉપયોગ કરી લોકોને પોતે તથા પોતાના સાગરીતો મારફત પોતાની વાતોની જાળમાં ફસાવી સાયકોલોજીકલ યુક્તિઓ વાપરી ઓનલાઈન ભાડે લીધેલા એકાઉન્ટમાં બુકિંગના નામે પૈસા લઈ રિસીપ્ટ આપતો હતો.
આરોપી પોતાના વતનની ભૌગલીક પરિસ્થિતિઓનો ગુનો કરવા માટે ઉપયોગ કરે છે. તેના અંતરયાળ ગામની નજીક આવેલા પહાડ, જંગલ, વાડી વિસ્તારમાં જઈ ત્યાંથી કોલીંગ કરી પોતાના ગુનામાં વપરાતો મોબાઈલ ફોન ત્યાં જ સંતાડી ગુનો આચરતો હતો. આ વિસ્તાર ખાતે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ રાજ્યની બોર્ડર લાગતી હોવાથી પોલીસની ભીંસ વધતા અન્ય રાજ્યમાં પણ નાસી છુટવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

