Mumbai ,તા.18
હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની વોર 2 આ વખતની સૌથી ચર્ચિત ફિલ્મ છે. ફિલ્મની જાહેરાત બાદથી જ ચાહકો રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. બે સુપરસ્ટાર્સને સાથે એક્શન કરતાં જોવાની મજા આવવાની છે.
દરમિયાન, એવા અહેવાલો વહેતાં થયાં હતાં કે આ ફિલ્મમાં જુનિયર એનટીઆરનો રોલ નાનો હશે અને તે એક કેમિયો કરવાનો છે. પરંતુ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે જુનિયર એનટીઆર ફિલ્મનાં અંત સુધીમાં હૃતિકના પાત્ર કબીરની મુશ્કેલીઓ વધારવાનો છે.
આ ફિલ્મમાં તેનાં પાત્ર અને સ્ક્રીન ટાઇમ વિશે માહિતી જાહેર કરવામાં આવી છે. જુનિયર એનટીઆરની એન્ટ્રી 15 મિનિટ બાદ થશે.
જુનિયર એનટીઆરની એન્ટ્રી
ફિલ્મ નિર્માતા નાગા વાંસીએ તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વોર 2 માં જુનિયર એનટીઆરની ભૂમિકા અંત સુધી છે. “તે યોગ્ય નથી કે જુનિયર એનટીઆર ફિલ્મમાં 30-40 મિનિટ સુધી રહેશે. “બંને કલાકારો ફિલ્મનાં અંત સુધી છે.
ફિલ્મ શરૂ થયાનાં 15 મિનિટ બાદ જુનિયર એનટીઆરની એન્ટ્રી થાય છે. બંને વચ્ચે ડાન્સ બતાવવામાં આવશે. આ સંપૂર્ણપણે કમર્શિયલ ફિલ્મ છે. નિર્માતા નાગા વંશીએ પણ પુષ્ટિ આપી હતી કે તેમણે વોર 2 ના તેલુગુ વિતરણ રાઈટ્સ 80 કરોડમાં ખરીદ્યાં છે.
ફિલ્મ રિલીઝ
વોર 2નું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ઉપરાંત કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનાં છેલ્લાં ભાગનું શૂટિંગ જૂનમાં જ પૂરું થઈ ગયું છે. હવે લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.