Mumbai,તા.27
ભારતીય સિનેમા માટે આ અઠવાડિયુ ગૌરવપૂર્ણ રહ્યું છે. પ્રખ્યાત અભિનેતા કમલ હાસન અને પોતાના શાનદાર અભિનયથી દરેકનું દિલ જીતનાર આયુષ્માન ખુરાનાને હોલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ દ્વારા ઓસ્કરના સભ્ય બનવાનું આમંત્રણ મોકલાયું છે. આ તક માત્ર બંને કલાકારો માટે સન્માનની વાત નથી પણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.આ વર્ષે ઓસ્કર એકેડેમીએ કુલ 534 નવા સભ્યોને આમંત્રણ મોકલ્યું છે, જેમાં ભારતમાં અભિનેતા કમલ હાસન અને આયુષ્માન ખુરાના સાથે કાસ્ટિંગ ડિરેક્ટર કરણ માલી, સિનેમેટોગ્રાફર રણવીર દાસ, કોસ્ચ્યુમ ડિઝાઇનર મેક્સિમા બાસુ, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર સ્મૃતિ મુન્દ્રા અને ફિલ્મમેકર પાયલ કપાડિયાને પણ ઓસ્કરનું આમંત્રણ મળ્યું છે. ઓસ્કર અવૉર્ડ ઇવેન્ટની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. આ ભવ્ય આયોજન 15 માર્ચ 2026ના રોજ યોજાશે, જેમાં જાણીતા હોસ્ટ કોનન ઓ ‘બ્રાયન મેજબાનીની જવાબદારી નિભાવશે. નોમિનેશન માટેની વોટિંગ 12થી 16 જાન્યુઆરી 2026 સુધી રહેશે અને નોમિનેશનની ઔપચારિક જાહેરાત 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. જેથી સ્પષ્ટ છે કે ભારતીય સિનેમાની પહોંચ હવે ફક્ત રાષ્ટ્રીય સીમાઓ સુધી મર્યાદિત નથી રહી. વૈશ્વિક સ્તર પર કલાકારોની માન્યતા ભારતની સાંસ્કૃતિક શક્તિનો પુરાવો બની રહી છે.