New Delhi,તા.28
અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસન સંસદના ઉપલા સદન રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે. તમિલનાડુ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો મુદ્દે સત્તાધારી પક્ષ ડીએમકેએ ખુલાસો કર્યો છે કે, અમે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ચાર બેઠક પર ચૂંટણી લડીશું. જ્યારે એક બેઠક કમલ હાસનના પક્ષ મક્કલ નિધિ મય્યમ (એમએનએમ)ને આપવા નિર્ણય લીધો છે. આગામી 19 જૂનના રોજ રાજ્યસભાની કુલ આઠ બેઠક પર ચૂંટણી યોજાશે. જેમાં તમિલનાડુની છ અને આસામની બે બેઠક સમાવિષ્ટ છે.
બીએસસી અને લૉ ડિગ્રીધારક પી. વિલ્સન હાલ રાજ્યસભાના સાંસદ છે. તે સુપ્રીમ કોર્ટમાં એક ટોચના વકીલ પણ છે. તેમણે અનેક હાઈ પ્રોફાઈલ કાયદાકીય મામલામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. એસઆર શિવલિંગમ ડીએમકેના વરિષ્ઠ નેતા છે. તે પહેલાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની ઉમેદવારી સદનમાં પ્રશાસનિક અનુભવની સાથે કાયદાકીય નિપુણતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. રૂકૈયા મલિક વિવિધ સામાજિક કલ્યાણ અને ન્યાયના વિષયો પર કવિતાઓ અને પુસ્તકો લખ્યા છે.
ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષના વરિષ્ઠ વકીલ પી વિલ્સનને ટિકિટ આપી છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસઆર શિવલિંગમ તથા કવિત્રી, લેખક અને પક્ષના પદાધિકારી રૂકૈયા મલિક ઉર્ફ સલમાને ટિકિટ આપવામાં આવી છે. તમિલનાડુમાંથી છ રાજ્યસભા સાંસદ આગામી 24 જુલાઈ, 2025ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થનારા નેતાઓમાં પીએમકેના અંબુમણિ રામદાસ, એમડીએમકેના ટોચના નેતા સામેલ છે.ડીએમકે પક્ષના પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં થયેલા સમાધાન હેઠળ કમલ હાસનના પક્ષને રાજ્યસભાની આ ચૂંટણીમાં એક બેઠક આપવામાં આવી છે. વિધાનસભામાં પોતાના સહયોગીઓની સંખ્યામાં વધારો કરવા ડીએમકે રાજ્યસભા ચૂંટણીમાં છમાંથી ચાર બેઠક જીતી શકે છે. જ્યારે વિપક્ષ AIADMK, ભાજપ અને અન્ય સહયોગીઓની મદદથી બે બેઠક પર જીત હાંસલ કરી શકે છે.ડીએમકેની આ જાહેરાત બાદ કમલ હાસનના પક્ષ મક્કલ નીધિ મય્યમ (એમએનએમ)એ પણ સંકેત આપ્યો છે કે, અભિનેતા રાજ્યસભા જઈ શકે છે. પક્ષના નેતા મુરલી અપ્પાસે જણાવ્યું કે, અમે કમલ હાસનને મક્કલ નીધિ મય્યમ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.