Lucknow,તા.16
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મીની હરાજી પહેલા જ ટીમોએ આગામી સિઝન માટે પોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ એક મોટો નિર્ણય લીધો છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને વિશ્વના શ્રેષ્ઠ બેટરોમાંના એક કેન વિલિયમસન હવે IPL 2026માં ખેલાડી તરીકે નહીં, પરંતુ વ્યૂહાત્મક સલાહકાર (Strategic Consultant) તરીકે LSG સાથે જોડાશે. નોંધનીય છે કે, વિલિયમસનની આ નિમણૂક ઝહીર ખાને ટીમના માર્ગદર્શક પદેથી રાજીનામું આપ્યા બાદ કરવામાં આવી છે.
35 વર્ષીય કેન વિલિયમસન તેની ઉત્કૃષ્ટ ક્રિકેટ કુશળતા અને શાંત નેતૃત્વ કૌશલ્ય માટે જાણીતો છે. તેણે 105 ટેસ્ટ, 173 ODI અને 93 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્ત્વ કર્યું છે. IPLમાં તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઈટન્સ (GT) વતી રમી ચૂક્યો છે.
કેન વિલિયમસન હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો નથી. જો કે, ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં સક્રિય રહેવા માટે તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથેના કરારનો ઈનકાર કર્યો હતો.
અહેવાલો અનુસાર, કેન વિલિયમસનને ટીમમાં લાવવાનો નિર્ણય RPSG ગ્રુપના ચેરમેન અને LSGના માલિક સંજીવ ગોયનકાએ વ્યક્તિગત રીતે લીધો હતો.