Mumbai,તા.10
ફિલ્મ નિર્માણ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ અને દિગ્દર્શક આનંદ એલ રાય વચ્ચે રાઈટ્સ બાબતે થયેલી તકરારમાં કંગના રણૌતની ‘તનુ વેડ્સ મનુ થ્રી’ અટકી પડી છે. ‘તનુ વેડ્સ મનુ ‘ અને ‘તનુ વ્ડેસ મનુ રિટર્ન્સ’ બંને ફિલ્મના સંપૂર્ણ રાઈટ્સ માત્ર પોતાની પાસે છે તેમ જણાવી ઈરોઝ ઈન્ટરનેશનલે આનંદ એલ રાયને કાનૂની નોટિસ ફટકારી છે અને આ ફિલ્મનો ત્રીજો ભાગ તેની મંજૂરી વિના બનાવી શકાશે નહિ તેમ જણાવ્યું છે. આ ફ્રેન્ચાઈઝીનું નિર્માણ કરાશે તો કાનૂની પગલાં લેવાશે તેવી ચિમકી પણ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ‘રાંઝણા ‘ ફિલ્મનો ક્લાઈમેકસ બદલીને ફિલ્મ રી રીલિઝ કરવા બાબતે પણ આ કંપની અને આનંદ એલ રાય વચ્ચે તકરાર થઈ હતી. આનંદ એલ રાયે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા સામે વિરોધ કર્યો હતો. જોકે, ઈરોઝ દ્વારા જવાબ અપાયો હતો કે એક નિર્માણ કંપની તરીકે આ ફિલ્મની સંપૂર્ણ માલિકી તેની છે અને તે તેને કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકે છે.