શિવાજી મહારાજની ૩૯૫મી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિ, શક્તિ અને વીરતાની ભવ્ય ઝલક
Mumbai, તા.૨૧
છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમી વારસદાર સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’ અત્યારે ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મ રૂ.૨૦૦ કરોડના વર્લ્ડવાઈડ કલેક્શનની નજીક પહોંચી છે ત્યારે શિવાજી મહારાજના જીવન આધારિત ફિલ્મની અપડેટ શેર થઈ છે. ‘ધ પ્રાઈડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’માં ‘કાંતારા’ સ્ટાર ઋષભ શેટ્ટી સ્વરાજના સ્થાપક શિવાજી મહારાજનો રોલ કરવાના છે. છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતિ નિમિત્તે ફિલ્મના ડાયરેક્ટર સંદીપ સિંઘે શિવાજીના વારસાની ભવ્ય ઝલક આપી છે. ‘ધ પ્રાઈડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’નું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં શિવાજી મહારાજની ભક્તિ, શક્તિ અને વીરતાની ભવ્ય ઝલક જોવા મળે છે. મા ભવાનીની વિશાળ મૂર્તિ સમક્ષ હાથમાં તલવાર લઈને ઊભેલા શિવાજી મહારાજ જાણે કે યુદ્ધ પર જતાં પહેલાં આશીર્વાદ મેળવી રહ્યા છે. ઋષભ શેટ્ટીએ પોસ્ટર શેર કરતાં લખ્યુ હતું કે, છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મારું મન ગૌરવ અને જવાબદારીની લાગણીથી છલકાઈ રહ્યું છે. તેઓ મહાન યોદ્ધા ઉપરાંત સ્વરાજનો આત્મા હતા. સાહસ, સમજણ અને ભક્તિના જીવંત ઉદાહરણ એવા શિવાજી મહારાજના જીવનને પડદા પર રજૂ કરવું તે પવિત્ર કામ છે. તેમના અસામાન્ય વારસાનું સન્માન કરી શકાય અને દરેક ભારતીયમાં તેમના અપ્રતિમ સાહસની જ્યોત પ્રજ્વલિત કરી શકાય તેવી આશા રાખું છું. ડાયરેક્ટર સંદીપ સિંઘે કહ્યું હતું કે, શિવાજી મહારાજનો વારસો જળવાઈ રહી અને લાખો લોકોને પ્રેરણા આપતો રહે તેવો આશય છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ભારતીયોના સંઘર્ષની ઐતિહાસિક ઘટનાને બોલિવૂડના પરંપરાગત દૃષ્ટિકોણ કરતાં અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ થયો છે. ફિલ્મમાં પ્રીતમનું મ્યૂઝિક અને પ્રસૂન જોષીના લિરિક્સ છે. રવિ વર્મનની સિનેમાટોગ્રાફી અને ક્રેગ મેકરેની સ્ટન્ટ કોરિયોગ્રાફી છે. આ ફિલ્મને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ કરવાનું આયોજન છે.