Morbi,તા.20
શહેરમાં ઠેર ઠેર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ મંત્રીમંડળ વિસ્તરણ કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયાએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને તેમને રાજ્યકક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે મંત્રી બન્યા બાદ આજે મોરબી પરત ફરતા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું
રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા આજે ગાંધીનગરથી રવાના થઈને ચોટીલા ખાતે કુળદેવીના દર્શન, રાજસીતાપુર ગુરુજીના આશ્રમે આશીર્વાદ લઈને હળવદ પહોંચ્યા હતા જ્યાં કાર્યકરો અને આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હળવદ બાદ તેઓ સાંજે મોરબી પહોંચ્યા હતા જ્યાં સર્કીટ હાઉસ ખાતે હજારો કાર્યકરો અને આગેવાનોએ તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું સર્કીટ હાઉસ ખાતેથી વિશાલ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી વળી હતી
રાજ્ય કક્ષાના મંત્રી બનેલા કાંતિલાલ અમૃતિયાનું ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું વિવિધ સમાજ અને સંસ્થાઓએ શહેરના વિવિધ સ્થળોએ કાંતિલાલ અમૃતિયાનું સ્વાગત કર્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ભાજપ આગેવાનો, પદાધિકારીઓ જોડાયા હતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધારાસભ્યને મંત્રીપદ મળતા હવે મોરબીના વિકાસને ગતિ મળશે તેવો આશાવાદ મતદારો અને કાર્યકરોમાં જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે કાંતિલાલ અમૃતિયા મોરબી તાલુકાના જેતપર ગામના વતની છે ખેડૂત પુત્ર કાંતિલાલ અમૃતિયા યુવાન વયથી સંઘ અને ભાજપ સાથે જોડાયેલ છે તેઓ છ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે જેથી પક્ષે સિનીયોરીટીને ધ્યાને લઈને તેમને મંત્રીપદનું બોનસ આપ્યું છે અને મોરબીને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા બાદ બીજી વખત મંત્રી પદ મળતા ખુશીનો માહોલ છવાયો છે