Valsad ,તા.૧૩
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા મંગળવારે એક અનોખા વિરોધના કારણે ચર્ચાનું કેન્દ્ર બની. કોંગ્રેસની સભ્ય કુંજાલી પટેલે વિકાસ ગ્રાન્ટના વિતરણમાં ભેદભાવનો આક્ષેપ કરતાં રોટલી સાથે વિરોધ નોંધાવ્યો, જેના કારણે સભા તોફાની બની ગઈ.
કુંજાલી પટેલે જણાવ્યું કે, “તાલુકાના તમામ ગામો સમાન છે, પણ વિકાસ માટેની ગ્રાન્ટમાં સરખી વહેંચણી થતી નથી. અમુક વિસ્તારને લાભ આપવામાં આવે છે, જ્યારે કેટલાક વિસ્તારમાં અવગણના થાય છે.” આ વિરોધને વધુ નોંધપાત્ર બનાવવા માટે તેમણે સભામાં રોટલીના સરખા ભાગ કર્યા અને કહ્યું કે જેમ રોટલીના સરખા ભાગ થાય છે, તેમ ગ્રાન્ટ પણ ન્યાયસંગત રીતે વહેંચવી જોઈએ.માહોલ ગરમ થઇ ગયો હતો, અને માહોલ ક્ષણવાર તોફાની બની ગયો.તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપોને ફગાવીને જણાવ્યું કે તમામ નિર્ણયો પાલિકા નિયમો અનુસાર લેવાય છે અને વિકાસના કામમાં કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી.આ ઘટના બાદ સભા વધુ વિલંબ વિના પૂર્ણ કરવામાં આવી, પરંતુ “રોટલી વિરોધ” ને કારણે આ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની રહી. જિલ્લા રાજકારણમાં આવા અનોખા વિરોધનું આ પહેલું ઉદાહરણ છે.