Mumbai,તા.26
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર ઘણા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેણે શરુઆતના સમયમાં ખૂબ જ પડકારજનક સફર કરી છે. વર્તમાન સમયમાં જે કલાકારો છે તેમની પાસે અલગ અલગ શેફ અને ઘણી વેનિટી વાનની સુવિધા હોય છે. પરંતુ 1990 ના દાયકામાં આવી સુવિધા નહોતી. સેટ પર આરામ કરવાની જગ્યા તો છોડો, સેલિબ્રિટીઝ માટે સ્વચ્છ શૌચાલય હોવું પણ મોટી વાત હતી. અભિનેત્રીએ આ અંગે વાત કરતાં જણાવ્યું છે કે, કેવી રીતે વોશરૂમનો ઉપયોગ કરવા માટે દૂરના વિસ્તારમાં જવું પડતું હતું.
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર માત્ર 16 વર્ષની ઉંમરે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે. અભિનેત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું, ’32 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું… મેં એવા સમયગાળામાં કામ કર્યું છે, એ સમયની વાત પર તમને વિશ્વાસ નહીં આવે. અમે ઝાડીઓની પાછળની ભાગમાં કપડાં બદલતા હતા. જો કોઈને બાથરૂમ જવું હોય તો, અમે માઇલો ચાલીને જતા હતા, અને ત્યારે આખું યુનિટ હલ્લો મચાવતું હતું કે, ઓહ, મેડમ ટોઇલેટ જઈ રહ્યા છે. ખરેખર, અમે જે દિવસોમાં કામ કર્યું ત્યારે ઘણું અલગ હતું જ્યારે અત્યારના સમયમાં ઘણુ બદલાઈ ગયું છે.’
કરિશ્મા કપૂરે આગળ જણાવ્યું કે, એ સમયે શૂટિંગ દરમિયાન કલાકારોએ કેવી રીતે સંસાધનોની જાતે વ્યવસ્થા કરતાં હતા, ‘અમે ઘણીવાર રસ્તા પાસેની દુકાનો પર રોકાતા હતા અથવા કોઈના ઘરે જઈ દરવાજો ખટખટાવતા હતા અને પૂછતા હતા કે શું અમે તમારા ઘરે કપડાં બદલી શકીએ છીએ? કારણ કે અમે બહાર એક ગીતનું શૂટિંગ કરી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં આજના ઉદ્યોગને જોતા, જ્યાં બહાર 35 ટ્રેલર ઉભા હોય છે, ત્યાં એક વિશાળ ડિજિટલ મીડિયા અને એક સારુ સાઉન્ડ સિસ્ટમ છે, તે અવિશ્વસનીય છે.’
કરિશ્મા કપૂરે તેના સમયમાં બનતી ફિલ્મો વિશે વાત કરતાં કહ્યું, ‘અમે એવી ફિલ્મો બનાવતા હતા જેમાં અમે માત્ર ડબિંગ કરતા હતા. મેં પહેલી વાર મારી જાતને મોનિટર પર ‘દિલ તો પાગલ હૈ’ ના ડાંસ ઓફ એન્વી દરમિયાન જોઈ હતી. આ પહેલાં અમે ક્યારેય ફૂટેજ જોયા નહોતા. જ્યારે સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ પરિણામ જોઈ શકતા હતા.’




