Ahmedabad તા.4
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના CEO કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હોસ્પિટલ દ્વારા દર્દીઓને કેમ્પના બહાને બોલાવીને તેમના પરિવારજનોની જાણ બહાર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સર્જરી કરી નાખવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.
પાંચ આરોપીઓ પર ફરિયાદ નોંધાઈ હતી વસ્ત્રાપુર પોલીસ મથકે ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં 05 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ પૈકી એક ફરિયાદ સરકાર દ્વારા નિમાયેલ ડોક્ટરની કમિટીના એક ડોક્ટરે કરી હતી. જ્યારે અન્ય બે ફરિયાદ મૃતક દર્દીના સગાએ કરી હતી.
આરોપીઓમાં ડો. પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપુત, કાર્તિક પટેલ, ડો.સંજય પટોલીયા અને રાજશ્રી કોઠારીનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કેસોની તપાસ સરકારે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. ત્યારે ઉપરોક્ત આરોપીઓ પૈકી ડો.પ્રશાંત અને કાર્તિક પટેલ સાથે વધુ એક આરોપી મિલિંદ પટેલ જેલમાં છે. અન્ય આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.
હાઈકોર્ટે જામીન અરજી નકારી કાર્તિક પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે આજે નકારી નાખી છે. આ અરજીની સુનવણીમાં આરોપી તરફે કોર્ટને જણાવાયું હતું કે કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51 ટકા જેટલો ભાગ છે. સંજય પટોલિયાના 37 ટકા કરતા જેટલો ભાગ છે. જેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. આથી કાર્તિક પટેલને પેરીટીનો લાભ મળવો જોઈએ. ફોરેન્સિક ઓડિટ મુજબ ખ્યાતિ હોસ્પિટલની 91 ટકા નહીં પણ 26 ટકા આવક PMJAY યોજનામાંથી આવતી હતી.
કાર્તિક પટેલ ચેરમેન હોવાથી તેને મુખ્ય આરોપી બનાવાયો છે. આક્ષેપ મુજબ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરો ભેગા થઈને જુનિયર ડોક્ટરોને દર્દીઓ લાવવા દબાણ કરતા હતાં. કાર્તિક પટેલે હોસ્પિટલમાં રોકાણ કર્યું છે.
એક સાહેદના જણાવ્યા મુજબ ચિરાગ રાજપૂતને હૃદયના દર્દીઓને અને કેમ્પ યોજવામાં વધુ રસ હતો. તે ઘૂંટણના દર્દીઓને પણ હ્રદયની એનજીઓગ્રાફી માટે કહેતો અને તાત્કાલિક એન્જીઓગ્રાફી કરાવતો હતો. ચિરાગ રાજપૂતની સૂચના મુજબ જ કામ થતું, તેને હાઇકોર્ટે જામીન આપ્યા છે.