Mumbai,તા.23
ભારતીય બેટર કરૂણ નાયર ઈંગ્લેન્ડ પ્રવાસમાં સારૂ પ્રદર્શન કર્યું નથી, પરંતુ આ દરમિયાન તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કરૂણ નાયરને ઘરે પરત ફરવાની મંજૂરી મળી ગઈ છે. કારણ કે, વિદર્ભ ક્રિકેટ એસોસિયેશને તેમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. એટલે કે, કરૂણ નાયર હવે વિદર્ભ ક્રિકેટ ટીમ છોડીને કર્ણાટક ટીમમાં પરત ફરી શકશે. તે છેલ્લા ત્રણ વર્ષથી વિદર્ભ ટીમ માટે રમી રહ્યો હતો.
અહેવાલો અનુસાર, કરૂણ નાયર માટે વિદર્ભ ટીમ ખૂબ જ નસીબદાર રહી. તેમણે ગત રણજી ટ્રોફીમાં વિદર્ભ માટે 16 ઈનિંગ્સમાં 53.93ની સરેરાશથી 863 રન બનાવ્યા હતા. તેમણે ટુર્નામેન્ટમાં કુલ ચાર સદી ફટકારી હતી. જેમાંથી એક તેણે કેરળ સામેની ફાઈનલ મેચમાં ફટકારી હતી. વિદર્ભે તેની સદીની ઈનિંગ્સના આધારે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.
વિજય હજારે ટ્રોફીમાં કરૂણ નાયરે ઘણાં રન બનાવ્યા હતા. તેમણે આ ટુર્નામેન્ટમાં સતત પાંચ સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 120થી વધુ હતો અને તેમણે 8 ઈનિંગ્સમાં 779 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, તેણે આઉટ થયા વિના 542 રન બનાવ્યા હતા જે લિસ્ટ Aમાં એક રેકોર્ડ છે. આ શાનદાર પ્રદર્શનના આધારે કરુણ નાયરને 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કરૂણ નાયર ઈગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ રમી છે અને તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. ટેસ્ટ સીરિઝમાં તેણે 0, 20, 31, 26, 40 અને 14 રનની ઈનિંગ્સ રમી છે. હવે કરૂણ નાયરને ટીમમાં સ્થાન નહીં મળે તેવી ચર્ચા થઈ રહી છે, જોકે તેને હજુ પણ તક મળી શકે છે. માન્ચેસ્ટર ટેસ્ટ 23મી જુલાઈએ શરૂ થઈ રહી છે અને કરૂણ તેમાં રમી શકે છે. જો કરૂણ નાયર માન્ચેસ્ટરમાં પણ નિષ્ફળ જાય છે, તો તેના માટે પ્લેઈગ ઈલેવનમાં રહેવું ખૂબ મુશ્કેલ બનશે.