Washington,તા.૧૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલ હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં જ રાજકીય કાર્યકર્તા ચાર્લી કિર્કની હત્યા થઈ હતી, ત્યારે આ કેસની તપાસમાં બેદરકારી બદલ કાશ પટેલનું પદ જોખમમાં મુકાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમને કિર્કની હત્યાના કેસમાં અમેરિકન સંસદમાં હાજર થવા આદેશ અપાયો છે.
૧૦ સપ્ટેમ્બરે ઉતાહ વેલી યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન ચાર્લી કિર્કને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ એફબીઆઈની ટીમને હત્યારા ટાયલર રોબિન્સનને શોધવામાં બે દિવસ લાગ્યા હતા. તપાસ દરમિયાન એફબીઆઈએ શરૂઆતમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ખોટી ધરપકડ કરી હતી અને બાદમાં તેમને મુક્ત કરવા પડ્યા હતા, જેના કારણે એજન્સીની તપાસ પર સવાલો ઉભા થયા હતા. આ નિષ્ફળતા બાદ કાશ પટેલ મુશ્કેલીમાં મુકાયા છે.
રિપોર્ટ મુજબ, કાશ પટેલ એફબીઆઈ ડિરેક્ટરનું ગુમાવી શકે છે અને તેમની જગ્યાએ એર્ન્ડ્યુ બેઈલી નવા ડિરેક્ટર બની શકે છે. વાસ્તવમાં કિર્કની હત્યાના થોડા કલાકોમાં જ એફબીઆઈએ બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી, ત્યારબાદ એફબીઆઇ ડિરેક્ટર પટેલે ઉતાવળમાં આ અંગે પોસ્ટ પણ શેર કરી હતી, જેના પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કાશના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, મને એફબીઆઈ પર ગર્વ છે, કાશ સહિત ટીમના તમામ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે.’
જોકે પછીની તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, જે બે શકમંદોની ધરપકડ કરાઈ હતી, તેઓ નિર્દોષ હતા. કિર્કના હત્યારા અસલી આરોપી ટેલર રોબિન્સન સુધી પહોંચવામાં એફબીઆઈને બે દિવસનો સમય લાગ્યો હતો, જેના કારણે અનેક લોકો એજન્સીની કામગીરી પર ગંભીર સવાલો કરી રહ્યા છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના ઘણા નજીકના સહયોગીઓને હવે કાશ પર વિશ્વાસ રહ્યો નથી. આ યાદીમાં એટર્ની જનરલ પામ બોન્ડીનું નામ પણ સામેલ છે. એપસ્ટીન કેસ પરના વિવાદને કારણે પામ બોન્ડી એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગિનોની પણ વિરુદ્ધ થઈ ગયા છે.
ચાર્લી કિર્કની હત્યા પહેલા પણ કાશ પટેલ વિવાદોમાં હતા. એપસ્ટીન કેસની તપાસ એફબીઆઈ પાસે છે અને તેને લઈને કાશ પહેલેથી જ તપાસના ઘેરામાં છે. આ ઉપરાંત એફબીઆઈના ત્રણ પૂર્વ એજન્ટોએ પણ કાશ પર આરોપ લગાવ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે.