હરિયાણામાં કોંગ્રેસ સપાટો બોલાવીને સ્પષ્ટ બહુમતી મેળવશે એવી આગાહી થઈ રહી છે તેથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ છે જ્યારે ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે. હરિયાણામાં છેલ્લાં ૧૦ વર્ષથી ભાજપનું શાસન હતું છતાં લોકો તેને નકારી કાઢે તો ભાજપ માટે મોટી લપડાક કહેવાશે.
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદીને ભાજપે મોદી સરકારની મોટી સિધ્ધી ગણાવી હતી. ભાજપે કાશ્મીરમાં કલમ ૩૭૦ ઉપરાંત નહેરૂ-ગાંધી, મુફતી અને અબ્દુલ્લા ખાનદાનના વંશવાદનો મુદ્દો પણ ચગાવેલો. આ ત્રણેય ખાનદાને જમ્મુ અને કાશ્મીરનું નખ્ખોદ વાળી દીધું એવા આક્ષેપોનો મારો નરન્દ્ર મોદી અને અમિત શાહ બંનેએ ચલાવેલો. એક્ઝિટ પોલનાં તારણો પ્રમાણે, આ કોઈ મુદ્દા ચાલ્યા નથી ને લોકો કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ પર વધારે ભરોસો મૂકી રહ્યાં છે.
ભાજપના નેતા તમાચો મારીને મોં લાલ રાખી રહ્યા છે. એક્ઝિટ પોલનાં તારણો પરિણામ નથી ને મતગણતરી થશે ત્યારે ભાજપ જ જીતશે એવો દાવો કરી રહ્યા છે. ભાજપના એક નેતાએ તો લોકસભાની ચૂંટણીનાં એક્ઝિટ પોલનું ઉદાહરણ આપીને મૂર્ખામીનું પ્રદર્શન પણ કરી નાંખ્યું. એ ભાઈ એ વાત જ ભૂલી ગયા કે, લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા પડયા તેનું કારણ મોદીભક્તિ હતી.
મોદીભક્તિમાં લીન ટીવી ચેનલોએ દલા તરવાડીની જેમ ભાજપને બેઠકોની લહાણી કરીને ૩૫૦ કરતાં વધારે બેઠકો મળશે એવી આગાહી કરી નાંખેલી. મોદી અને ભાજપના નેતા જે દાવા કરતા હતા તેને આધારે એક્ઝિટ પોલ તૈયાર કરીને લોકોને પિરસી દેવાયા હતા તેમાં પછડાટ મળી હતી. અત્યારે પણ મોદીભક્તિની અસર તો દેખાઈ જ રહી છે. આ કારણે જ ભાજપને એક્ઝિટ પોલમાં કરાયેલી આગાહી કરતાં પણ ઓછી બેઠકો મળે બને. ભૂતકાળમાં ઘણા બધા એક્ઝિટ પોલ ખોટા પડયા છે એ વાસ્તવિકતા છે પણ લોકસભાની ચૂંટણીનું ઉદાહરણ સાવ વાહિયાત કહેવાય.
ભાજપને કમ સે કમ જમ્મુ અને કાશ્મીરમાં તો સ્પષ્ટ બહુમતી નહીં જ મળે તેનો અંદાજ આવી જ ગયો છે. આ જ કારણે હજુ ચૂંટણીનાં પરિણામ જાહેર થાય એ પહેલાં જ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વિધાનસભામાં પાંચ ધારાસભ્યોની નિમણૂકની જાહેરાત કરી નાંખી. આ પૈકી ત્રણ સભ્યો કાશ્મીરી માઈગ્રન્ટ સમુદાયના હશે. આ પૈક પંડિત સહિતના હિંદુઓમાંથી બે વ્યકિતની નિમણૂક કરી શકાશે કે જેમાંથી એક મહિલા હશે જ્યારે એક વ્યક્તિ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માંથી ભારત આવીને વસેલાં લોકોમાંથી હશે. આ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નરને લાગે કે, વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પૂરતું નથી તો બે મહિલાઓની નિમણૂક પણ કરી શકે છે.
લેફ્ટનન્ટ ગવર્નરને બંધારણીય જોગવાઈ પ્રમાણે આ અધિકાર મળ્યા છે તેથી આ નિમણૂક દ્વારા સિંહા કશું ગેરબંધારણીય કરતા નથી પણ તેના કારણે લોકશાહીના સિધ્ધાંતોની ઐસી કી તૈસી થઈ જશે. લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધીઓમાંથી બહુમતી જેની પાસે હોય તેની સરકાર રચાય પણ લેફ્ટનન્ટ ગવર્નરે એવી સ્થિતી સર્જી દીધી છે કે,ચૂંટાયેલા ધારાસભ્યો નહીં પણ નોમિનેટેડ ધારાસભ્યો નક્કી કરશે કે કોની સરકાર રચાશે. કિંગ તો ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ કોઈ બનશે પણ કિંગ મેકર નોમિનેટેડ ધારાસભ્યો બને એવો તખ્તો તૈયાર છે.
લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પાંચ ધારાસભ્યોને નોમિનેટ કરાતાં વિધાનસભાની સભ્ય સંખ્યા ૯૫ થઈ જશે. તેના કારણે સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી ૪૮ ધારાસભ્યોની થઈ જશે જ્યારે ખરેખર આ આંકડો ૪૬નો હોવો જોઈએ કેમ કે ચૂંટણી ૯૦ બેઠકો માટે થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નરે આ નિર્ણય દ્વારા ઘરના ભુવા ને ઘરનાં ડાકલાં એટલે નાળિયેર ફેંકાય ઘર ભણી જેવો ઘાટ કરી દીધો છે. લેફ્ટનન્ટ ગવર્નર એવા જ લોકોને નિમે કે જે ભાજપને ટેકો આપે તેથી ભાજપને કશું કર્યા વિના અત્યારથી પાંચ ધારાસભ્યોનો ટેકો મળી ગયો છે.
ભાજપે આ મોડલથી પુડુચેરીમાં સત્તા હાંસલ કરેલી છે. પુડુચેરી વિધાનસભામાં ૩ ધારાસભ્યો નોમિનેટેડ હોય છે. આ નોમિનેટેડ ધારાસભ્યો પાસે મતદાનના અધિકાર પણ હોય છે. આ ધારાસભ્યોના જોરે ભાજપ સત્તામાં આવી ગયો ને હવે જમ્મુ અને કાશ્મીરમાં પણ એ જ દાવ અજમાવી રહ્યો છે. કાનૂની રીતે જમ્મુ અને કાશ્મીરમાં નોમિનેટેડ ધારાસભ્યો પાસે મતદાનનો અધિકાર હશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી પણ ભાજપ પોતાના ફાયદા માટે મતદાન કરાવશે જ તેમાં શંકા નથી.
સિંહાના નિર્ણયથી ભાજપને સિધ્ધાંતો નહીં પણ સત્તામાં જ રસ છે એ છાપ પ્રબળ બની છે. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે પણ સરકાર રચવા ભાજપે ૪૩ બેઠકો જીતવી પડે. ભાજપ ૪૩ બેઠકો ના જીતે ને ત્રીસેક બેઠકો જીતે તો પણ બીજાંનો ટેકો લઈને સરકાર રચી શકે તેથી ભાજપ માટે પાતળી આશા છે જ. એક્ઝિટ પોલ સાવ ખોટા પડે ને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જાય એવું પણ બને. ભારતમાં ભૂતકાળમાં મોટા ભાગના એક્ઝિટ પોલ ખોટા પડયા જ છે તેથી ભાજપ માટે સાવ આશા મરી પરવારી નથી એ સ્વીકારવું પડે.
– ભાજપે પપ્પુ ગણાવેલા રાહુલ ગાંધીનો પ્રભાવ વધશે
કોંગ્રેસ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરમાં સરકાર રચવામાં સફળ થાય તો કોંગ્રેસને મોટો બૂસ્ટર ડોઝ મળી જશે. હવે પછી મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં છે.
કોંગ્રેસ આ બંને રાજ્યોમાં અલગ જ ઝનૂનથી ઉતરશે. આ બંને રાજ્યોમાં મતદારોના માનસ પર પણ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરનાં પરિણામોની અસર પડશે.
અત્યારે દેશનાં ત્રણ રાજ્યો કર્ર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની પોતાની સરકાર છે જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનની અને તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે. કુલ મળીને કોંગ્રેસ દેશનાં ૫ રાજ્યોમાં સત્તા ધરાવે છે.
હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર તેમાં ઉમેરાશે તો દેશનાં ૭ રાજ્યોમાં કોંગ્રેસ સરકારમાં હશે.
હજુ એક વર્ષ પહેલાં સુધી મનાતું હતું કે, દેશમાંથી કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે અને હવે કોંગ્રેસ ફરી બેઠી નહીં થઈ શકે. એક જ વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૯૯ બેઠકો જીતીને ફરી બેઠી થઈ ગઈ અને હવે વધું બે રાજ્યોમાં તેની સત્તા આવે તો સ્વાભાવિક રીતે તેની તાકાત વધી જ જશે.
કોંગ્રેસની સફળતાનોં યશ સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધીને અપાશે એ જોતાં રાહુલનો પ્રભાવ વધશે તેમાં શંકા નથી. ભાજપે એક દાયકા સુધી રાહુલને પપ્પુ ગણાવીને સતત તેની મજાક ઉડાવી હતી. હવે એ જ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ આગેકૂચ કરે તો ભાજપ માટે મોટી લપડાક ગણાય.
– હરિયાણા-કાશ્મીરમાં મોદી-શાહની અંગત પ્રતિષ્ઠા દાવ પર
હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીનાં પરિણામો નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે અંગત પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન છે. આ બંને રાજ્યોમાં ભાજપ હારે તો મોદી-શાહનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં છે એવું અર્થઘટન કઢાશે કેમ કે ચૂંટણી પ્રચારની કમાન મોદી-શાહે સંભાળી હતી જ્યારે ભાજપના બીજા નેતાઓને પ્રચારથી દૂર રખાયા હતા.
જે.પી. નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હોવા છતાં ચૂંટણી પ્રચારમાં ક્યાંય ચિત્રમાં જ નહોતા. રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના ભાજપના બીજા નેતા પણ બંને રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાયા જ નહોતા. યોગી આદિત્યનાથ હિંદુત્વના પોસ્ટર બોય હોવાથી તેમની થોડીક સભાઓ કરાઈ પણ કેન્દ્ર સ્થાને મોદી-શાહ હતા.
મોદી-શાહે આક્રમકતાથી પ્રચાર કર્યો છતાં ભાજપ ના જીતે તેનો અર્થ સ્વાભાવિક રીતે જ એવો થાય કે, મોદી-શાહનો પ્રભાવ હવે પહેલાં જેવો નથી. ભાજપમાં મોદી પક્ષનો ચહેરો ગણાય છે અને શાહ વ્યૂહરચનામાં નિષ્ણાત મનાય છે. મોદીની હિંદુવાદી ઈમેજની જબરદસ્ત લોકપ્રિયતાના કારણે તથા શાહની ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓના કારણે ભાજપ ૨૦૧૪થી સતત જીતતો રહ્યો છે.
જો કે લોકસભાની ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતા કે શાહની વ્યૂહરચના બંને નહોતાં ચાલ્યાં. લોકોએ બંનેને નકારી કાઢયાં તેના કારણે ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શક્યો.
હવે લોકસભા પછીની પહેલી બે વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ હારી જાય તેનો મતલબ એ જ થાય કે, મોદી-શાહની જાદુઈ મનાતી જોડીનો જાદુ ચાલ્યો ગયો છે.