New Delhi,તા.30
કાશ્મીર-હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડ જેવા પર્વતીય રાજયોમાં ભારે હિમવર્ષાએ કહેર સર્જયો છે જયારે કાશ્મીરમાં અત્યાર સુધીની સૌથી વધુ ભારે હિમવર્ષા થયાનું જાહેર થયુ છે.જોકે, ગઈકાલે રવિવારે તે અટકતા હાલત-જનજીવન નોર્મલ થવા લાગ્યુ હતું.
હવામાન વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે કાશ્મીરમાં નજીકનાં ભુતકાળની સૌથી ભારે હિમવર્ષા થઈ હતી. શુક્રવાર સાંજથી આકાશમાંથી બરફ વરસતો શરૂ થયો હતો. શનિવાર આખો દિવસ તે ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. રવિવારે રાહત થઈ હતી.
હિમવર્ષા અટકવાને પગલે લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા મોટાપાયે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. રદ કરાયેલી વિમાની સેવા ફરી શરૂ થઈ હતી. શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ફરી રાબેતા મુજબ થયો હતો.માર્ગો પર લપસી પડવાનું જોખમ હોવાથી વાહનચાલકો-લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી હતી.
બીજી તરફ હિમાચલમાં પણ સાર્વત્રિક હિમવર્ષા હતી. કુફરી તથા કલ્પામાં સૌથી વધુ બરફ વરસ્યો હતો. નારકંડા, કિલોંગ તથા અન્ય ભાગોમાં પણ બરફની ચાદર હતી.
પંજાબ, હરીયાણા, રાજસ્થાન, જેવા રાજયોમાં કોલ્ડવેવની હાલત સર્જાઈ હતી અને તાપમાન નોર્મલ કરતા વધુ નીચે ઉતરી ગયુ હતું.