Jasdan,તા.14
શ્રાવણ મહિનાના રાંધણ છઠ્ઠના દિવસે કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે. આ અવસરે રાજકોટમાં તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસની તારીખ 14 ઓગસ્ટ, 2025ના દિવસે રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે સુરણ, રીંગણ, ટામેટા, શક્કરિયા, ગવાર, દૂધી, બીટ, મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે. સવારે 5:45 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા આ અનેરા દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. જે લોકો દર્શન માટે મંદિરે ન પહોંચી શકે, તેમના માટે ઓનલાઈન આરતીની સુવિધા પણ કરવામાં આવી હતી. દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે. આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે. દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 25 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર – દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સવાર-સાંજ સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારૂતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન મહા સંધ્યા આરતી, કૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર અને શ્રી હરિ મંદિરમાં હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે